ઓગસ્ટ 4, 2026 5:55 પી એમ(PM)

printer

નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ 2026 : વિદ્યાર્થીઓને ‘બાળ વૈજ્ઞાનિક’ બનવાની સુવર્ણ તક

ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંયુક્ત ઉપક્રમે રાજ્યમાં ‘નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ 2026’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 10 થી 17 વર્ષની વયના વિદ્યાર્થીઓને તેમની આસપાસની સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલ શોધવા અને સર્જનાત્મકતા વિકસાવવા માટે એક રાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ પૂરું પાડશે.

વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો પ્રયાસ

ગુજકોસ્ટ દ્વારા વર્ષ 2014 થી ગુજરાતમાં આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે. NCSC માં ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા અથવા શાળાએ ન જતા 10 થી 17 વર્ષના બાળકો ભાગ લઈ શકે છે. માર્ગદર્શક શિક્ષકના નેતૃત્વમાં 2 સભ્યોની ટીમ બનાવીને વિદ્યાર્થીઓ પોતાના રિસર્ચ પ્રોજેક્ટ તૈયાર કરીને મૂલ્યાંકનકારો સમક્ષ રજૂ કરે છે. આ પ્રક્રિયાથી બાળકોમાં ટીમવર્ક, સમસ્યા નિરાકરણની આવડત અને આત્મવિશ્વાસ વધે છે.

2026 માટેની થીમ અને 5 મુખ્ય વિષયો

આ વર્ષે NCSC ની મુખ્ય થીમ “સસ્ટેનેબિલિટી માટે વિજ્ઞાન અને નવાચાર” રાખવામાં આવી છે. બાળ વૈજ્ઞાનિકો પાંચ પેટા-વિષયો પર કામ કરી શકશે.

કચરા વ્યવસ્થાપન માટે R5 (Reduce, Reuse, Retrieve, Redesign & Recycle)
ઊર્જા માટે E4 (Explore, Experiment, Enhance & Evolve)
જળ: સંચય, કાર્યક્ષમ ઉપયોગ, પુનઃચક્રિકરણ અને સંરક્ષણ
ખોરાક, કૃષિ અને આરોગ્ય
સસ્ટેનેબિલિટી માટે ભારતીય જ્ઞાન પરંપરાનો ઉપયોગ

રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને કાર્યક્રમની રૂપરેખા

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવી નથી. વિદ્યાર્થીઓ www.n-csc.in પોર્ટલ પર 15 ઓગસ્ટ 2026 સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. નોંધાયેલા પ્રોજેક્ટ્સ માટે સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026 દરમિયાન જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાશે. ત્યારબાદ દરેક જિલ્લામાંથી પસંદ કરાયેલા શ્રેષ્ઠ 10 પ્રોજેક્ટ્સ નવેમ્બર 2026 ના અંતિમ સપ્તાહમાં યોજાનાર રાજ્ય સ્તરીય સ્પર્ધામાં જશે. અંતે, રાજ્યમાંથી પસંદ થયેલા શ્રેષ્ઠ 26 પ્રોજેક્ટ્સને છત્તીસગઢ ખાતે જાન્યુઆરી 2026 ના બીજા અઠવાડિયામાં યોજાનાર રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે.

શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સને મળશે પેટન્ટની સુવિધા

વિદ્યાર્થીઓના ઈનોવેટીવ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા માટે, ગુજકોસ્ટ તેના ‘ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ફેસિલિટેશન સેન્ટર’ દ્વારા શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ માટે પેટન્ટ, ડિઝાઇન અને કૉપિરાઇટ ફાઇલ કરવામાં પણ સત્તાવાર મદદ કરશે.

આગામી સમયમાં આ કાર્યક્રમ થકી અનેક વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે. ગુજકોસ્ટ દ્વારા રાજ્યની તમામ શાળાઓ, શિક્ષકો અને વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ યુવા પેઢીને આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે, જેથી ભવિષ્યમાં તેઓ દેશના ટકાઉ વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.