હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટે આગામી સપ્તાહની વરસાદી આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના નિયામક ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 97.7 ટકા જેટલો નોંધપાત્ર વરસાદ વરસી ચૂક્યો છે.
હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ, 3 થી 9 ઓગસ્ટ દરમિયાન ગુજરાત વિસ્તારના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો, શહેરમાં મુખ્યત્વે વાદળછાયું આકાશ રહેશે અને વરસાદના કેટલાક ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે. દરિયામાં સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાવાને કારણે કાંઠા વિસ્તારોમાં 15 થી 20 નોટની ઝડપે મજબૂત પવનો ફૂંકાશે, જેમાં પવનની ગતિ 25 નોટ સુધી પહોંચી શકે છે. દરિયાની સ્થિતિ મધ્યમથી રફ રહેવાની સંભાવના છે, જોકે રાહતના સમાચાર એ છે કે બંદરો પર લગાવવામાં આવેલી પોર્ટ વોર્નિંગ હવે હટાવી લેવામાં આવી છે. તેમજ માછીમારો માટે પણ આગામી 5 દિવસ સુધી કોઈ જ ચેતવણી આપવામાં આવી નથી.
ડૉ. દાસે રાજ્યના હવામાનને અસર કરતી સિનોપ્ટિક સિસ્ટમ્સ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં પૂર્વ-દક્ષિણપશ્ચિમ રાજસ્થાન પર 1.5 કિમીથી 3.1 કિમીની ઊંચાઈએ એક સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. મોન્સૂન ટ્રફ હાલમાં લખનૌ અને પટના થઈને પૂર્વ દિશામાં મણિપુર તરફ પસાર થઈ રહ્યું છે. આ ઉપરાંત, જમ્મુ ડિવિઝનમાં 5.8 કિમીથી 7.6 કિમીની ઊંચાઈ વચ્ચે અન્ય એક સાયક્લોનિક સરક્યુલેશન પણ સક્રિય જોવા મળ્યું છે.
ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ખૂબ સારો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, હાલમાં રાજ્યમાં 77.7 ટકા સામાન્ય વરસાદ નોંધાયો છે. જ્યારે સિઝનનો કુલ વરસાદ 97.7 ટકા સુધી પહોંચી ગયો છે, જે સરેરાશ કરતા 20 ટકા વધારે વરસાદ દર્શાવે છે. આ સંતોષકારક વરસાદના આંકડા ખેડૂતો અને રાજ્યના જળાશયો માટે અત્યંત હકારાત્મક સાબિત થઈ રહ્યા છે.