ઓગસ્ટ 22, 2026 2:57 પી એમ(PM)

printer

ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી : સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ 28 ટકા વરસાદની અછત

હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આગામી કેટલાક દિવસો માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર હાલમાં કોઈ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ખેડૂતો અને નાગરિકોએ વ્યાપક અને ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. ચાલુ ચોમાસાની સીઝનમાં રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 4 ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે.

સક્રિય વરસાદી સિસ્ટમ અને પવનોની દિશા

હવામાન વિભાગની સત્તાવાર માહિતી અનુસાર, હાલમાં એક ‘લો પ્રેશર એરિયા’ ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશની આસપાસ સક્રિય છે. આ સાથે જ, એક મોનસૂન ટ્રફ અમૃતસરથી પસાર થઈને આ લો પ્રેશર વિસ્તાર તરફ જઈ રહી છે. આ સિસ્ટમની અસર હેઠળ અને ગુજરાતના જમીની વિસ્તાર પર દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ ફૂંકાતા પવનોને કારણે રાજ્યના વાતાવરણમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે અને છૂટોછવાયો વરસાદ પડશે.

ચોમાસાના આંકડા: ક્યાં કેટલો વરસાદ નોંધાયો ?

ચાલુ વર્ષે 1 જૂનથી 22 ઓગસ્ટ સુધીના વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો, સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 511.8 mm વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયગાળામાં 534.4 mm વરસાદ પડવો જોઈએ, જેની સરખામણીએ હાલ રાજ્યમાં 4 ટકા વરસાદની ઘટ છે.

વિસ્તાર મુજબ પરિસ્થિતિ જોઈએ તો, ગુજરાત રિજનમાં વરસાદનું પ્રમાણ સારું રહ્યું છે. અહીં સામાન્ય 699.9 mm ની સામે 789.5 mm વરસાદ ખાબક્યો છે, જે સરેરાશ કરતા 13 ટકા વધુ છે. જ્યારે બીજી તરફ, સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનમાં અત્યાર સુધી માત્ર 291.8 mm વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 402.6 mm ની સરખામણીએ 28 ટકાની મોટી અછત દર્શાવે છે.

અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત્

હાલની પરિસ્થિતિને જોતા ગુજરાતની આસપાસ એવી કોઈ પણ મજબૂત સિસ્ટમ સક્રિય નથી જે ભારેથી અતિભારે વરસાદ લાવી શકે. આથી, હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી 7 દિવસ દરમિયાન અમદાવાદ શહેર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ જ જોવા મળશે.