ઓગસ્ટ 24, 2026 7:16 પી એમ(PM)

printer

ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ભારે વરસાદ કે પવનની કોઈ ચેતવણી નથી

અમદાવાદ સ્થિત હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટે હવામાનની આગાહી જાહેર કરવામાં આવી છે. જે મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાહતના સમાચાર એ છે કે, આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ કે તોફાની પવન ફૂંકાવાની કોઈ જ ચેતવણી આપવામાં આવી નથી, જેથી નાગરિકો અને ખેડૂતોએ ગભરાવાની કોઈ જરૂર નથી.

માછીમારો માટે દરિયામાં જવા પર કોઈ વિશેષ પ્રતિબંધ નહીં

દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને માછીમાર ભાઈઓ માટે હવામાન વિભાગે રાહતજનક માહિતી આપી છે. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયામાં જવા પર કોઈ વિશેષ પ્રતિબંધ કે ચેતવણી આપવામાં આવી નથી. દરિયામાં પણ પવન અને મોજાની સ્થિતિ સામાન્ય રહેવાની સંભાવના છે, જેથી માછીમારીની પ્રવૃત્તિ રાબેતા મુજબ ચાલુ રાખી શકાશે.

છેલ્લા 24 કલાકમાં મહિસાગરમાં સૌથી વધુ વરસાદ, ઓગસ્ટમાં 22% ની ઘટ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો, મહિસાગર જિલ્લામાં સૌથી વધુ 32.6 mm વરસાદ નોંધાયો છે. જોકે, ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ, સમગ્ર રાજ્યમાં ઓગસ્ટ માસમાં સામાન્ય કરતાં 22 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જે કૃષિ ક્ષેત્ર માટે થોડી ચિંતાનો વિષય બની શકે છે.

ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે

હાલમાં ગુજરાત પર વરસાદી માહોલ સર્જવા માટે મુખ્યત્વે 3 અલગ અલગ સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સુન ટ્રાફટ અને લો પ્રેશર એરિયાનો સમાવેશ થાય છે. આ 3 સિસ્ટમની સંયુક્ત અસરના કારણે રાજ્યમાં છૂટોછવાયો વરસાદી માહોલ જળવાઈ રહેશે. બીજી તરફ, અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોની વાત કરીએ તો, આગામી દિવસોમાં શહેરમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે અને એકાદ-બે સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. શહેરમાં ભારે વરસાદની હાલ કોઈ આગાહી નથી.