સપ્ટેમ્બર 9, 2026 3:16 પી એમ(PM)

printer

મેઘરાજા ફરી એકવાર મન મૂકીને વરસશે : ગુજરાતમાં 12 થી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. ગુજરાતમાં આગામી 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ વરસાદની ઘટ પ્રવર્તી રહી છે, ત્યારે મેઘરાજાની આ નવી સવારીથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

ત્રણ નવી સિસ્ટમ સક્રિય, આવતીકાલે લો પ્રેશર રચાશે 

હવામાન વિભાગની માહિતી અનુસાર, રાજ્યમાં વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે. અત્યારે રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં મોનસૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જ્યારે આવતીકાલે વધુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. આ ત્રિવેણી સિસ્ટમની અસરથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદી માહોલ જામશે.

12 અને 13 સપ્ટેમ્બરની આગાહી: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ 

આગાહી મુજબ, 12 સપ્ટેમ્બરના રોજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે 13 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધશે અને પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

14 સપ્ટેમ્બરે આ વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થશે 

14 સપ્ટેમ્બરના રોજ પણ વરસાદની સિસ્ટમ યથાવત રહેશે. આ દિવસે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે.

રાજ્યમાં હજુ 19 ટકા વરસાદની ઘટ 

ઉલ્લેખનીય છે કે, ચાલુ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં હજુ સરેરાશ કરતા 19 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી વરસાદ ખેંચાતા પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. પરંતુ હવે 12 થી 14 સપ્ટેમ્બર વચ્ચે પડનાર આ વરસાદથી ખેતીના પાકને જીવતદાન મળશે અને રાજ્યમાં વરસાદની ઘટ અમુક અંશે સરભર થવાની પૂરેપૂરી શક્યતા છે.