રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહ માટે મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતમાં 4 અલગ-અલગ હવામાન સિસ્ટમ સક્રિય છે, પરંતુ તેમની તીવ્રતા નબળી હોવાથી આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
સિસ્ટમ નબળી હોવાથી હળવા વરસાદની જ વકી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું કે, “હાલમાં રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય તો છે, પરંતુ આ સિસ્ટમની એક્ટિવિટી ઘણી ઓછી છે.” આ ઓછી તીવ્રતાને કારણે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના કોઈપણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની કોઈ જ શક્યતા રહેલી નથી. સમગ્ર રાજ્યમાં વાતાવરણ મોટેભાગે સામાન્ય રહેશે અને છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડવાની જ સંભાવના છે.
રાજ્ય પર કઈ 4 સિસ્ટમ સક્રિય છે ?
હવામાન વિભાગની સત્તાવાર માહિતી મુજબ, હાલમાં ગુજરાત અને તેની આસપાસના વિસ્તારો પર સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, ડિપ્રેશન તેમજ અન્ય એક ટ્રફ સહિત કુલ 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. જોકે, આ તમામ સિસ્ટમ અપેક્ષા કરતા નબળી હોવાથી રાજ્યમાં કોઈ મોટા વરસાદી રાઉન્ડની શક્યતાઓ હાલ પૂરતી ટળી ગઈ છે.
રાજ્યમાં સિઝનનો 1 ટકા ઓછો વરસાદ નોંધાયો
ચાલુ ચોમાસાની સિઝનના વરસાદી આંકડાઓની વાત કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 510.5 mm વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગના ડેટા મુજબ, આ સમયગાળા સુધીમાં સામાન્ય રીતે 518 mm વરસાદ થવો જોઈએ. આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યમાં આ સિઝનમાં સામાન્ય કરતા માત્ર 1 ટકા જેટલો જ ઓછો વરસાદ નોંધાયો છે, જે ખેતી અને જળાશયો માટે એકંદરે સંતોષકારક સ્થિતિ કહી શકાય.