ઓગસ્ટ 5, 2026 7:43 પી એમ(PM)

printer

રાજ્યમાં ભારે વરસાદથી રાહત, હવે હળવાથી મધ્યમ વરસાદની અગાહી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી નવી આગાહી મુજબ ગુજરાતમાં હાલ કોઈ મજબૂત હવામાની સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી 7 દિવસ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યમાં ભારે વરસાદથી હાલ રાહત મળી છે, જ્યારે ચાલુ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 16 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. અમદાવાદ શહેરમાં પણ આગામી 3 દિવસ દરમિયાન છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે આજે દિવસ દરમિયાન શહેરભરમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે. વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
8 થી 23 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે

હવામાન વિભાગના વધુ અનુમાન મુજબ, આગામી 8 ઓગસ્ટથી 23 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો દોર જળવાયેલો રહેશે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ કોઈ સક્રિય સિસ્ટમ ન હોવાથી મુખ્યત્વે સ્થાનિક પરિબળોના કારણે જ છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળશે.

માછીમારોને દરિયો ન ખેડવા ખાસ અપીલ

દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતાને પગલે સાવચેતીના ભાગરૂપે હવામાન વિભાગે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની કડક અપીલ કરી છે. રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા હાલ ટળી છે, જેથી હવે હળવાથી મધ્યમ વરસાદના કારણે ખેતી અને સામાન્ય જનજીવનને રાહત મળશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.