ઓગસ્ટ 5, 2026 7:48 પી એમ(PM)

printer

ગુજરાત યુનિવર્સિટીને મળ્યો UGC નો ‘કેટેગરી-2 ગ્રેડેડ ઓટોનોમી’નો દરજ્જો

વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ દ્વારા ગુજરાત યુનિવર્સિટીને ‘કેટેગરી-2 ગ્રેડેડ ઓટોનોમી’નો મહત્વપૂર્ણ દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે. આ ગૌરવપૂર્ણ માન્યતા પ્રાપ્ત કરનારી ગુજરાત યુનિવર્સિટી સમગ્ર ગુજરાતની પહેલી અને એકમાત્ર રાજ્ય યુનિવર્સિટી બની છે. આ સ્વાયત્તતા મળવાથી હવે યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ, શૈક્ષણિક વિસ્તાર અને સંશોધન ક્ષેત્રે મહત્વના નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકશે.

UGC ની પૂર્વ મંજૂરી વિના શરૂ કરી શકાશે નવા અભ્યાસક્રમો

નવી સ્વાયત્તતા મળવાને કારણે ગુજરાત યુનિવર્સિટી હવે UGC ની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના જ પોતાના વર્તમાન માળખામાં નવા શૈક્ષણિક અભ્યાસક્રમો, નવા શૈક્ષણિક વિભાગો, સ્કૂલો અને વિશિષ્ટ સંશોધન કેન્દ્રો શરૂ કરી શકશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત માળખાના નિર્દેશો મુજબ, ઉદ્યોગ સંલગ્ન અને રોજગારલક્ષી નવા ડિપ્લોમા તથા સર્ટિફિકેટ કોર્સ પણ ઝડપથી શરૂ કરી શકાશે, જેનાથી વિદ્યાર્થીઓની રોજગારીની તકોમાં વધારો થશે.

20 ટકા સુધી વિદેશી અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે જોગવાઈ

આ નિર્ણય હેઠળ યુનિવર્સિટીમાં શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે મંજૂર થયેલા અધ્યાપકોની સંખ્યા ઉપરાંત 20 ટકા સુધી લાયક વિદેશી અધ્યાપકોની કરાર આધારિત નિમણૂક કરવાની મંજૂરી મળશે. આ સિવાય સ્થાનિક વિદ્યાર્થીઓની નિર્ધારિત પ્રવેશ ક્ષમતા ઉપરાંત 20 ટકા સુધી વિદેશી વિદ્યાર્થીઓને પણ ગુણવત્તા અને મેરિટના ધોરણે પ્રવેશ આપી શકાશે. આ પગલાથી યુનિવર્સિટીમાં વૈશ્વિક શૈક્ષણિક વાતાવરણ ઊભું થશે.
શિક્ષણ મંત્રીએ આ સિદ્ધિને ‘સુવર્ણ અધ્યાય’ ગણાવ્યો

આ ઐતિહાસિક સિદ્ધિ અંગે આનંદ વ્યક્ત કરતા રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, આ ક્ષણ રાજ્યના ઉચ્ચ શિક્ષણના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય સમાન છે. તેમણે વધુમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સ્વાયત્તતા મળવાથી રાજ્યમાં ઉચ્ચ શિક્ષણનું સ્તર વધુ ઊંચું આવશે તેમજ સંશોધન અને નવીનતાને નવો વેગ પ્રાપ્ત થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.