સપ્ટેમ્બર 9, 2026 6:54 પી એમ(PM)

printer

પ્રવાસીઓને મળશે ગુજરાતની અસલ સંસ્કૃતિનો અનુભવ: હોમસ્ટે પોલિસી હેઠળ 270 આવાસ નોંધાયા

ગુજરાતમાં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિ, પરંપરા અને આતિથ્યનો સીધો અનુભવ મળે તે હેતુથી રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા હોમસ્ટે રજીસ્ટ્રેશન પોલિસી-2020 અમલમાં મૂકવામાં આવી છે. આ નીતિ હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 270 જેટલા હોમસ્ટે નોંધાયા છે, જે પ્રવાસીઓને હોટેલની સરખામણીમાં એકદમ અલગ અને પારિવારિક માહોલ પૂરો પાડી રહ્યા છે.

હોમસ્ટેની વિવિધ શ્રેણીઓ અને આંકડા 

હોટેલની જેમ જ હોમસ્ટેમાં પણ ઉપલબ્ધ સુવિધાઓના આધારે અલગ-અલગ કેટેગરી નક્કી કરવામાં આવે છે. જેમાં સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ શ્રેણીનો સમાવેશ થાય છે. પ્રાપ્ત આંકડા મુજબ, ગુજરાતમાં હાલ 255 સિલ્વર, 8 ગોલ્ડ અને 7 પ્લેટિનમ કેટેગરી મળીને કુલ 270 હોમસ્ટે કાર્યરત છે. નોંધણી કરાવવા ઈચ્છુક નાગરિકો પ્રવાસન વિભાગની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી બાદ અધિકારીઓ દ્વારા સ્થળની ભૌતિક ચકાસણી કરીને યોગ્ય કેટેગરી ફાળવવામાં આવે છે.

ગ્રામ્ય રોજગારી અને મહિલા સશક્તિકરણને વેગ 

હોમસ્ટે માત્ર આવાસની સુવિધા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ‘અનુભવ આધારિત પ્રવાસન’ને પ્રોત્સાહન આપે છે. પ્રવાસીઓને ગ્રામ્ય જીવનશૈલી, હસ્તકલા અને સ્થાનિક પરંપરાગત ભોજનનો વાસ્તવિક અનુભવ મળે છે. આ વ્યવસ્થાથી સ્થાનિક સમુદાયોને રોજગારીની નવી તકો મળી રહી છે અને મહિલાઓનું આર્થિક સશક્તિકરણ પણ થઈ રહ્યું છે. સરકાર દ્વારા હોમસ્ટે માલિકોને ટૂંકાગાળાની તાલીમ અને માર્કેટિંગ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે.

સંચાલકોનો સારો પ્રતિસાદ 

આ પોલિસી અંગે અમદાવાદના હોમસ્ટે સંચાલક હરસિમ્રતકૌર ડાંગ જણાવે છે કે, “પોલિસી હેઠળ મળેલી માન્યતાથી અમારા હોમસ્ટેને વિશ્વસનીયતા મળી છે. આ માત્ર પ્રવાસીઓ માટે ઘરના દરવાજા ખોલવા સમાન નથી, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ અને આતિથ્યના દરવાજા ખોલવા સમાન છે.” જ્યારે ડાંગ ફોરેસ્ટ રિટ્રીટના આદિત્ય રોયે જણાવ્યું હતું કે, “અમારો પ્રયાસ પ્રવાસીઓને પ્રકૃતિ, સ્થાનિક ભોજન અને આદિવાસી સંસ્કૃતિ સાથે જોડવાનો છે. ગુજરાત ટુરિઝમ દ્વારા મળેલ ટ્રેનિંગ અને સપોર્ટ ખૂબ જ આવકારદાયક રહ્યો છે.”

આગામી સમયમાં રાજ્યમાં યોજાનાર વિવિધ મોટા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો અને ઉત્સવોને ધ્યાનમાં રાખતા હોમસ્ટે પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ વિકલ્પ બની રહેશે.