ઓગસ્ટ 21, 2026 6:41 પી એમ(PM)

printer

સાયન્સ સિટીમાં ત્રિદિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ-2026’ શરૂ, 20,000 થી વધુ લોકો જોડાશે

ગુજરાત સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે આજથી 23 ઓગસ્ટ દરમિયાન ત્રિદિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ-2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાની વિશેષ ઉપસ્થિતિમાં આ ફેસ્ટિવલનો પ્રારંભ કરાયો હતો, જેમાં ભારતની ઐતિહાસિક અંતરિક્ષ સિદ્ધિની યાદમાં ‘નેશનલ સ્પેસ ડે’ ની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે.

ચંદ્રયાન-3 ની ઐતિહાસિક સિદ્ધિની યાદમાં વિશેષ ઉજવણી

ભારત સરકારે 23 ઓગસ્ટને ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023 માં 23 ઓગસ્ટના રોજ ભારતના ‘ચંદ્રયાન-3’ મિશનના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું અને પ્રજ્ઞાન રોવરે કામગીરી શરૂ કરી ઇતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ સાથે ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો 4 થો અને દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો. આ વર્ષે નેશનલ સ્પેસ ડે ની થીમ “Towards Viksit Bharat: Innovating, Collaborating and Aspiring to Global Space Leadership” રાખવામાં આવી છે.

ISRO અને 50 થી વધુ સંસ્થાઓના સહયોગથી વિજ્ઞાન પ્રદર્શન

આ ત્રિદિવસીય ઉત્સવ દરમિયાન ISRO ના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) ના સંયુક્ત સહયોગથી એક વિશાળ સ્પેસ સાયન્સ એક્ઝિબિશન (વિજ્ઞાન પ્રદર્શન) નું આયોજન કરાયું છે. આ પ્રદર્શનમાં અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંકળાયેલી આશરે 50 જેટલી નામાંકિત સંસ્થાઓ, સંશોધકો, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગગૃહો ભાગ લઈ રહ્યા છે. આ પ્રદર્શન તમામ વયજૂથના મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.

વિદ્યાર્થીઓ માટે ક્વિઝથી લઈને નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન સુધીના આકર્ષણો

ફેસ્ટિવલ દરમિયાન વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન રસિકો માટે અનેકવિધ રોમાંચક પ્રવૃત્તિઓ યોજાશે. જેમાં પ્લેનેટોરિયમ શો, સ્પેસ રંગોળી, ડિજિટલ પોસ્ટર પ્રેઝન્ટેશન, ઓરિગામી, સ્પેસ ક્વિઝ, હેન્ડ્સ-ઓન વર્કશોપ અને નામાંકિત વૈજ્ઞાનિકો સાથે પેનલ ડિસ્કશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાત્રિ આકાશ દર્શન આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.

20,000 થી વધુ લોકો ઉમટી પડવાની અપેક્ષા, વિજેતાઓનું થશે સન્માન

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતના અંતરિક્ષ ક્ષેત્રની ઐતિહાસિક સફળતાઓને જનસામાન્ય સુધી પહોંચાડવાનો અને યુવા પેઢીમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત પ્રત્યે રુચિ કેળવવાનો છે. સમગ્ર રાજ્યમાંથી 20,000 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિજ્ઞાનપ્રેમી નાગરિકો આ ફેસ્ટિવલમાં જોડાશે તેવી અપેક્ષા તંત્ર દ્વારા રખાઈ છે. આગામી 23 ઓગસ્ટના રોજ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રોત્સાહક પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.