ઓગસ્ટ 10, 2026 4:30 પી એમ(PM)

printer

ગુજરાતમાં વરસાદની આગાહી: આજે અરવલ્લી અને મહીસાગરમાં અતિભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની વિવિધ સિસ્ટમો એકસાથે સક્રિય થતાં આજે અને આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
આજે કયા જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી ?
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આજે અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ બંને જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓમાં પણ આજે ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે.
આગામી 3 દિવસ ગાજવીજ અને તેજ પવન ફૂંકાશે
માત્ર વરસાદ જ નહીં, પરંતુ ગાજવીજ અને તોફાની પવનને લઈને પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના મતે, આગામી 3 દિવસો દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પણ તેજ રહેશે, જે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
4 જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય થતાં વરસાદનું જોર વધ્યું
રાજ્યમાં વરસાદી માહોલ જામવા પાછળ એકસાથે સક્રિય થયેલી હવામાન પ્રણાલીઓ જવાબદાર છે. રામાશ્રય યાદવે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, ગઈકાલે ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ પર બનેલું ‘લો પ્રેશર એરિયા’ આજે આગળ વધીને ઉત્તર મધ્યપ્રદેશ પર સ્થિત છે. આ ઉપરાંત વાતાવરણમાં એક સક્રિય ‘શિયર ઝોન’ પ્રણાલી પણ રચાઈ છે. સાથે જ રાજસ્થાનના બીકાનેરથી શરૂ થઈને સીધી મધ્યપ્રદેશના લો પ્રેશર એરિયા તરફ જતી એક ‘મોન્સૂન ટ્રફ લાઇન’ પસાર થઈ રહી છે. આ તમામ પરિબળોની સાથે એક ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ પણ સક્રિય છે.
બાઈટ : રામાશ્રય યાદવ, હવામાન વિભાગના વૈજ્ઞાનિક