ઓગસ્ટ 5, 2026 3:25 પી એમ(PM)

printer

વર્ષ 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓમાં ગતિ: CM ભૂપેન્દ્ર પટેલને કોમનવેલ્થ ફ્લેગ અપાયો

વર્ષ 2030 માં અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત સરકારે તૈયારીઓ તેજ કરી દીધી છે. તાજેતરમાં કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોમનવેલ્થ ફ્લેગ વિધિવત રીતે અર્પણ કરવામાં આવ્યો છે.

‘ટીમ ગુજરાત’ સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ

ગુજરાત અને દેશના યુવા ખેલાડીઓને અભિનંદન પાઠવતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2030 ની કોમનવેલ્થ ગેમ્સનું અમદાવાદ ખાતે સફળ અને ભવ્ય આયોજન થાય તે માટે ‘ટીમ ગુજરાત’ સંપૂર્ણ તૈયારીઓ સાથે આગળ વધી રહી છે. આ વૈશ્વિક સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે રાજ્યમાં અત્યારથી જ જરૂરી માળખાગત સુવિધાઓ ઉભી કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

વિવિધ રાષ્ટ્રીય સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ કામગીરી

આ મેગા ઇવેન્ટના સુચારુ સંચાલન અંગે માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે, કોમનવેલ્થ ફેડરેશન, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, રાજ્યના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સીધા માર્ગદર્શન હેઠળ તમામ સંબંધિત કામગીરીઓ યોગ્ય અને વ્યવસ્થિત રીતે ચાલી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફ્લેગ સોંપાયો

ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સની ક્લોઝિંગ સેરેમની અને ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમ બાદ આજે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ જોવા મળ્યો છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં ગ્લાસગો 2026 ના ડેલિગેશન તેમજ ગુજરાતના એથલીટ્સ અને પેરા-એથલીટ્સ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિધિવત રીતે કોમનવેલ્થ ફ્લેગ સુપ્રત કરવામાં આવ્યો હતો.

સ્થાનિક ખેલાડીઓને પ્રોત્સાહન આપવા વિશેષ આયોજન

રાજ્યમાં રમતગમત ક્ષેત્રના ભવિષ્ય અંગે વાત કરતાં સંઘવીએ જણાવ્યું કે, સરકાર સ્પોર્ટ્સને વધુ પ્રોત્સાહન આપવા માટે નવી યોજનાઓ ઘડી રહી છે. આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે આવેલા જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વધુને વધુ સ્થાનિક ખેલાડીઓ જોડાય અને તેનો પૂરેપૂરો લાભ મેળવે તે માટે સરકાર વિશિષ્ટ આયોજન અને યોજનાઓ પર ઝડપથી કામગીરી કરી રહી છે.
આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 ના આયોજનને પગલે ગુજરાતમાં રમતગમતની એક અત્યાધુનિક ઇકો-સિસ્ટમ ઊભી થશે, જે રાજ્યની સ્થાનિક પ્રતિભાઓને આંતરરાષ્ટ્રીય મંચ પર ચમકવાની સુવર્ણ તક પૂરી પાડશે.