રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર મેળવેલા સફળ નિયંત્રણ તેમજ સીઝનલ ફ્લૂ સામેની આગોતરી સજ્જતા અંગે ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત આ બેઠકમાં રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડિન તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાઓના મુખ્ય આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દર્દીઓની સ્થિતિ સામાન્ય, નાગરિકોને ચિંતા ન કરવા અપીલ
આરોગ્ય મંત્રીએ ચોમાસા દરમિયાન ઝાડા-ઉલટી, ટાઇફોઇડ, કોલેરા, મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને કમળા જેવા રોગોમાં દર્દીઓને ઝડપી સારવાર પૂરી પાડવા બદલ તબીબો અને સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાંથી ફ્લાઇટ્સ, ટ્રેન તથા બસ મારફતે મુસાફરોનું સતત આવાગમન રહેતું હોવા છતાં ગુજરાતમાં H1N1 નો કોઈ ગંભીર ઉપદ્રવ નથી. રાજ્યમાં નોંધાયેલા તમામ દર્દીઓની હાલત સામાન્ય હોવાથી નાગરિકોએ સહેજ પણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી.
વર્ષ 2019 ની ગાઇડલાઇન મુજબ સેમ્પલિંગ અને સારવારના આદેશ
બેઠક દરમિયાન આરોગ્ય મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા હતા કે વર્ષ 2019 ની H1N1 ગાઇડલાઇન મુજબ જ તમામ હોસ્પિટલોમાં દર્દીઓના સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારનું ચુસ્ત પાલન કરવામાં આવે. ઇમરજન્સી વિભાગો, તબીબો અને નર્સિંગ સ્ટાફને પ્રોટોકોલ મુજબ કામગીરી કરવા માટે જરૂરી સૂચનાઓ જારી કરવા જણાવાયું છે.
દવાઓ, ઓક્સિજન, વેન્ટિલેટર અને સ્વચ્છતા અંગે વિશેષ નિર્દેશ
સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ સરકારી અને સિવિલ હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં દવાઓ, ઓક્સિજન સિલિન્ડર તેમજ વેન્ટિલેટરની સુવિધા સુનિશ્ચિત કરવા નિર્દેશ અપાયા છે. મંત્રીએ તાકીદ કરી હતી કે જો કોઈ હોસ્પિટલમાં સ્ટાફ કે ટેકનિકલ સાધનો સંબંધિત પ્રશ્નો હોય તો તેનો સ્થાનિક સ્તરે જ ત્વરિત ઉકેલ લાવવો જેથી દર્દીઓની સારવારમાં કોઈ ખલેલ ન પહોંચે. આ સાથે જ હોસ્પિટલોમાં સ્વચ્છતા અભિયાન વધુ સઘન બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.