મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જનસ્વાસ્થ્ય ક્ષેત્રે એક મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં ચાલી રહેલા વ્યાપક સર્વેલન્સ, સઘન નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થાના પરિણામે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના પ્રમાણમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
રોગચાળાના આંકડામાં મોટો ઘટાડો: એક પણ મૃત્યુ નહીં
વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે, વર્ષ 2026 ના સપ્તાહ-33 સુધીમાં મેલેરિયાના કેસ 1407 થી ઘટીને 774 થયા છે, જેમાં 45.0% નો ઘટાડો નોંધાયો છે. આ જ રીતે ડેન્ગ્યુના કેસ 1293 થી ઘટીને 788 (39.1% ઘટાડો) અને ચિકનગુનિયાના કેસ 154 થી ઘટીને 80 (48.1% ઘટાડો) થયા છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન મેલેરિયા કે ડેન્ગ્યુથી રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. વર્ષ 2026 માં અત્યાર સુધીમાં 1 કરોડ 11 લાખથી વધુ રક્ત નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવ્યું છે.
6 કરોડ 51 લાખ લોકો સુધી પહોંચ્યું ડોર-ટુ-ડોર સર્વેલન્સ
રોગને શરૂઆતમાં જ ડામી દેવા માટે તંત્ર દ્વારા સઘન ડોર-ટુ-ડોર સર્વેલન્સ હાથ ધરાયું હતું. 1 થી 10 જુલાઈ દરમિયાન 19558 ટીમો દ્વારા 6 કરોડ 51 લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન 2 લાખ 57 હજાર રક્ત નમૂના લેવાયા હતા, જેમાં મેલેરિયાના 28 દર્દીઓને શોધીને સત્વરે સારવાર પૂરી પાડવામાં આવી હતી. સચોટ નિદાન માટે 42 હોસ્પિટલોમાં 96 હજાર જેટલા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના સીરમ સેમ્પલની તપાસ પણ કરાઈ છે.
30 લાખ બ્રીડિંગ સ્થળોનો નાશ અને લાર્વાભક્ષી માછલીઓનો ઉપયોગ
સરકારે મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોને અટકાવવા 29 લાખ 63 હજારથી વધુ બ્રીડિંગ સ્થળોનો નાશ કર્યો છે અને 3 લાખ 21 હજાર ઘરોમાં ફોગિંગની કામગીરી કરી છે. આ ઉપરાંત, 5024 જેટલા કાયમી જળ ભરાવવાળા સ્થળોએ લાર્વા ખાનારી માછલીઓ છોડવામાં આવી છે. મેલેરિયા સંવેદનશીલ 24 જિલ્લાઓના 116 ગામોમાં 1 ઑગસ્ટ 2026 થી જંતુનાશક દવાના છંટકાવનો બીજો રાઉન્ડ પણ શરૂ કરી દેવાયો છે.