ઓગસ્ટ 24, 2026 7:06 પી એમ(PM)

printer

ગુજરાત પોલીસ બનશે વધુ હાઈટેક : ગુજરાત પોલીસના કાફલામાં 500 નવા ‘જનરક્ષક’ વાહનો જોડાશે

ગુજરાત રાજ્યના નાગરિકોની સુરક્ષા અને આપાતકાલીન સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. 112 ‘જનરક્ષક’ પ્રોજેક્ટના વિસ્તરણ અંતર્ગત આવતીકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગરના નવા સચિવાલય ખાતેથી 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ નવા વાહનોના ઉમેરા સાથે જ રાજ્યમાં 24 કલાક ઈમરજન્સી સેવા માટે કુલ 1000 જનરક્ષક વાહનોનો કાફલો કાર્યરત થઈ જશે.

સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ઘટીને 10:49 મિનિટ થયો

રાજ્યમાં વધતી વસ્તી, શહેરી વિસ્તરણ અને ભૌગોલિક વ્યાપને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલાને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યો છે. 150 બેઠકો ધરાવતા આધુનિક કોલ સેન્ટર, CAD સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીના ઉપયોગથી પોલીસનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થઈ ચૂક્યો છે. નવા 500 વાહનો જોડાવાથી આ રિસ્પોન્સ ટાઈમ હજુ વધુ ઘટાડવાનો લક્ષ્યાંક છે. નવી માર્ગદર્શિકા મુજબ હવે પોલીસ સ્ટેશનની હદ બાધારૂપ નહીં બને અને ઘટનાસ્થળની સૌથી નજીકનું વાહન તાત્કાલિક મદદ માટે પહોંચી જશે.

11 મહિનામાં 11.04 લાખથી વધુ સેવાઓ પૂરી પડાઈ

ડાયલ 112 પ્રોજેક્ટના અમલીકરણના માત્ર 11 મહિનાના ટૂંકા ગાળામાં જનરક્ષક સેવા દ્વારા 11.04 લાખથી વધુ ઈમરજન્સી બનાવોમાં સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ પૈકી 6.74 લાખથી વધુ તો માત્ર પોલીસ ઈમરજન્સીના બનાવો હતા જેમાં તાત્કાલિક મદદ પહોંચાડાઈ છે. હવે ડાયલ 112 અંતર્ગત પોલીસ (100), એમ્બ્યુલન્સ (108), ફાયર (101), મહિલા હેલ્પલાઇન (181), ચાઇલ્ડ હેલ્પલાઇન (1098), ડિઝાસ્ટર હેલ્પલાઇન (1070) અને ટ્રાફિક હેલ્પલાઇન એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. વધુમાં, ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી એપ્લિકેશન્સમાં પણ ‘112 પેનિક બટન’ ઇન્ટિગ્રેટ કરી દેવામાં આવ્યું છે.

અત્યાધુનિક સુવિધાઓ અને ટેક્નોલોજીથી સજ્જ છે નવા વાહનો

નવા સામેલ થનારા જનરક્ષક PCR વાહનો 24 કલાકની કામગીરી માટે એર-કન્ડિશન્ડ (AC) અને સેફ્ટી ગ્રીલથી સજ્જ છે. આ વાહનોમાં રિયલ-ટાઇમ માહિતી માટે મોબાઈલ ડેટા ટર્મિનલ (MDT), GPS વ્હીકલ ટ્રેકિંગ, ઈમરજન્સી લાઈટ બાર, સાયરન, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ (PAS), ફાયર એક્સટિંગ્યુશર અને ફર્સ્ટ-એઈડ કીટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. વાહન પર તૈનાત સ્ટાફ બોડી-વોર્ન કેમેરા, ડેશ કેમ, હેલ્મેટ અને પ્રોટેક્ટિવ ગિયરથી સજ્જ રહેશે. સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે દરેક વાહન પર રાઉન્ડ-ધ-ક્લોક 1 ASI અથવા હેડ કોન્સ્ટેબલ, 2 કોન્સ્ટેબલ અને 1 ડ્રાઈવર તૈનાત રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.