રાજ્યમાં વધુ 25 ઔદ્યોગિક એકમોને સહાય આપવા અંતિમ પાત્રતા પ્રમાણપત્રો આપવાની મંજૂરી અપાઈ. આ પરિયોજના થકી રાજ્યમાં ત્રણ હજાર 903 કરોડ રૂપિયાથી વધુનું મૂડીરોકાણ આવશે અને અંદાજે આઠ હજાર 178 જેટલી નવી રોજગારીની તકનું સર્જન થશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરની બેઠકમાં આ નિર્ણય લેવાયો. તેનો લાભ અમદાવાદ, મોરબી, ભરૂચ, કચ્છ, વડોદરા, મહેસાણા, ખેડા અને સુરેન્દ્રનગર સહિતના વિવિધ જિલ્લામાં સ્થપાયેલા ઉદ્યોગોને મળશે. આ એકમો ઑટોમોબાઇલ, કાપડ, પ્લાસ્ટિક, પેપર, કેમિકલ, સિરામિક તેમજ મેટલ જેવા મહત્વના ક્ષેત્રો સાથે સંકળાયેલા છે.
સરકારના આ પ્રોત્સાહક અભિગમથી રાજ્યમાં મોટાપાયાના ઉદ્યોગોની સાથોસાથ MSME ક્ષેત્રના વિકાસને પણ નવું બળ મળશે અને ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું કેન્દ્ર બની રહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.