ઓગસ્ટ 6, 2026 6:07 પી એમ(PM)

printer

રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ: 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે. રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આગામી દિવસોમાં ગાજવીજ અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની શક્યતા છે. ખાસ કરીને 8 અને 9 ઓગસ્ટે રાજ્યના ઉત્તર ભાગો અને કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

6 અને 7 ઓગસ્ટે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેરની સંભાવના

અમદાવાદ હવામાન વિભાગના નિયામક ડૉ. એ.કે. દાસે જણાવ્યું હતું કે, 6 ઓગસ્ટે મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે 7 ઓગસ્ટે વરસાદનો વ્યાપ વધશે અને ઉપરોક્ત વિસ્તારો ઉપરાંત અરવલ્લી, મહિસાગર અને દાહોદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

8 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ

વરસાદની તીવ્રતા વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, 8 ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસે વાતાવરણમાં પલટો આવવાની સાથે જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડવાની પૂરી સંભાવના હોવાથી, ત્યાં વિશેષ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોના લોકોને વરસાદ દરમિયાન સાવચેત રહેવા તાકીદ કરાઈ છે.

9 ઓગસ્ટે ઉત્તર ગુજરાત પર વિશેષ ધ્યાન

9 ઓગસ્ટે પણ રાજ્યમાં વરસાદનું જોર યથાવત્ રહેશે. આ દિવસે ખાસ કરીને સરહદી વિસ્તારો જેવા કે વાવ, થરાદ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આ જિલ્લાઓમાં પણ યલો એલર્ટ યથાવત્ રાખવામાં આવ્યું છે.

માછીમારોને અપીલ અને તંત્રની સતર્કતા

અરબી સમુદ્રમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાથી સાવચેતીના ભાગરૂપે હવામાન વિભાગે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની કડક સલાહ આપી છે. સંભવિત ભારે વરસાદને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા પણ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારો માટે આગોતરું આયોજન શરૂ કરવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.