લાંબા વિરામ બાદ રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી છે. આજે રાજ્યના 126 તાલુકામાં મેઘમહેર થઈ છે. તેમાંય ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના અહેવાલ છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આજે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરતના અંબિકામાં અઢી ઇંચ તેમજ નર્મદાના ગરુડેશ્વર, ડેડીયાપાડામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડના ધરમપુર અને છોટાઉદેપુરના નસવાડીમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ડાંગમાં સતત પડી રહેલા વરસાદને કારણે ગીરાધોધનું સૌંદર્ય ખીલી ઉઠ્યુ. મોટી સંખ્યામાં લોકો ગીરાધોધને જોવા માટે ઉમટી પડ્યા. ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદને કારણે તાપી જિલ્લાના ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી 80 હજાર 259 ક્યુસેક પાણીની આવક થઈ છે. બીજી તરફ નવસારી અને વલસાડમાં આજે અતિભારે વારસાદનું રેડ એલર્ટ અપાયું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનાં કેટલાક જિલ્લામાં પણ આજે ભારે વરસાદની આગાહી છે.