ગુજરાત રાજ્યમાં એકસાથે ચાર જેટલી હવામાન સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજા ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ, આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અને ભાવનગર એમ કુલ 6 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, અમરેલી, જામનગર, કચ્છ તેમજ વાવ અને થરાદ પંથકમાં ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના હોવાથી ‘યલો એલર્ટ’ જારી કરાયું છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ક્રમશઃ ઘટવાની શક્યતા છે.
રાજ્યના હવામાનમાં આવેલા આ પલટા પાછળ મુખ્યત્વે ચાર સિસ્ટમ જવાબદાર છે. હાલમાં રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશર, મોનસૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. આ પ્રતિકૂળ પરિસ્થિતિમાં દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની અને દરિયાઈ સ્થિતિ ઉગ્ર બનવાની સંભાવના હોવાથી આગામી 2 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
રાજ્યમાં સિઝનના વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો, સુરેન્દ્રનગર જિલ્લામાં 149.6 મીમી વરસાદ સાથે પાંચમી વખત રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 439.9 મીમી વરસાદ વરસી ચૂક્યો છે. નોંધનીય છે કે, સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 380.9 મીમી વરસાદ થવો જોઈએ. આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 16 ટકા વધુ વરસાદ નોંધાયો છે, જેનાથી કૃષિ પાકને જીવતદાન મળવાની અને જળાશયોમાં નવા નીરની આવક થવાની આશા બંધાઈ છે.