દક્ષિણ અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં બેટિંગ કર્યા બાદ આજે મેઘરાજાએ કચ્છને ઘમરોળ્યું. માંડવીમાં આજે વહેલી સવારથી અત્યાર સુધી સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અબડાસામાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો છે. દરમિયાન મુંદ્રા, નખત્રાણા અને ભુજમાં પણ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લામાં આજે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા. દરમિયાન અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 84 ટકા વરસાદ નોંધાયો છે. આજે 90 તાલુકામાં વરસાદ નોંધાયો.
તો, બીજી તરફ હવામાન વિભાગે આજે કચ્છ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ તથા પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અપાયું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.