સપ્ટેમ્બર 14, 2026 4:10 પી એમ(PM)

printer

રાજ્યમાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો

રાજ્યમાં લાંબા વિરામ બાદ આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે વરસાદનું યલો અલર્ટ અપાયું.

બીજી તરફ, બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 210 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ સવા પાંચ ઇંચ જેટલો વરસાદ આણંદના બોરસદ તાલુકામાં નોંધાયો. જ્યારે અમદાવાદના ધોળકા અને વડોદરાના કરજણ તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો.

વલસાડમાં સાર્વત્રિક ભારે વરસાદથી ગ્રામ્ય માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાયો. જયારે બુરલામાં કોલક નદી પરના બ્રિજ પર વરસાદી પાણી ફરી વળ્યા. અમરેલીમાં પણ વહેલી સવારે વડિયા, બાબરા, લાઠી અને લીલીયા તાલુકામાં ભારે વરસાદ થયો. અરવલ્લીના મોડાસામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. મહેસાણામાં પણ વરસાદના કારણે તૈયાર પાકને જીવનદાન મળ્યું.

કચ્છના ભુજમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો. ઉપરાંત ભરુચ, સુરત, જામનગર અને બોટાદ સહિતના જિલ્લામાં વરસાદ થઈ રહ્યો હોવાના અહેવાલ છે.