હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘમહેર થવાની પ્રબળ સંભાવના છે, જેને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યા છે.
આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, મધ્ય-દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની શક્યતાને પગલે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે, તેથી આ વિસ્તારો માટે ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે.
13 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં ‘રેડ એલર્ટ’
આવતીકાલે એટલે કે 13 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધુ વધવાની સંભાવના છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની ચેતવણી સાથે ‘ઓરેન્જ એલર્ટ’ અપાયું છે. આ સિવાય પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી સાથે ‘યલો એલર્ટ’ અપાયું છે.
14 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ યથાવત્
ત્યારબાદ 14 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહીને પગલે ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી ત્યાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
સતત ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આ આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને NDRF/SDRF ની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.