હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને અન્ય 2 સિસ્ટમ સક્રિય થવાને કારણે દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામશે. અમદાવાદમાં 13 સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા છે, જ્યારે માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સહિત 3 સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે સિસ્ટમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, “હાલમાં ઉત્તર-પશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે, જે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. આ ઉપરાંત, ઉત્તર રાજસ્થાનથી લો પ્રેશરના કેન્દ્ર સુધી એક ટ્રફ અને શ્રી ગંગાનગરથી લો પ્રેશર સુધી મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યો છે.” આ ત્રણેય સિસ્ટમની અસરથી 12 સપ્ટેમ્બરથી વરસાદની ગતિવિધિઓ તેજ બનશે. હાલ વરસાદ ન હોવાથી તાપમાન ઊંચું છે, પરંતુ વરસાદ શરૂ થતા જ તાપમાનમાં ઘટાડો નોંધાશે.
13 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ અને અમદાવાદમાં યલો અલર્ટ
આગાહી અનુસાર, 12 સપ્ટેમ્બરે પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. 13 સપ્ટેમ્બરના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે ‘ઓરેન્જ અલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 13 સપ્ટેમ્બરે જ અમદાવાદ સહિતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ‘યલો અલર્ટ’ અપાયું છે. 15 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં પણ યલો અલર્ટ રહેશે. આ દિવસો દરમિયાન ગાજવીજ અને વીજળી પડવાની પણ પૂરી સંભાવના છે.
દરિયામાં પવનની ગતિ વધશે, માછીમારોને ચેતવણી
દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ભારે પવન ફૂંકાશે. 12 થી 15 સપ્ટેમ્બર સુધી પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક અને ઝાપટાની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને 12 થી 15 સપ્ટેમ્બર સુધી માછીમારી માટે દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં હજુ પણ સરેરાશ વરસાદમાં 18 ટકાની ઘટ
હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં 533.0 એમએમ વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયગાળા સુધીમાં 647.0 એમએમ વરસાદ થવો જોઈતો હતો. આમ, ગુજરાતમાં હજુ પણ સામાન્ય કરતા 18 ટકા વરસાદની ઘટ છે. જોકે, આગામી 4 દિવસના વરસાદી રાઉન્ડથી આ ઘટ અમુક અંશે સરભર થવાની આશા છે.