ઓગસ્ટ 19, 2026 9:32 એ એમ (AM)

printer

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા, 112 ઈમરજન્સી સેવાના રિસ્પોન્સ ટાઈમ પર ભાર

રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે પોલીસ ભવન ખાતે કાયદો અને વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતિ અંગે વિડિયો કોન્ફરન્સથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ખાસ કરીને ઈમરજન્સી સેવા 112 અને તેના રિસ્પોન્સ ટાઇમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ સાથે પોલીસ વાહનો અને ડ્રાઈવરોની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા 112 સ્ટાફની યોગ્ય હાજરી અને રજા મંજૂરી પ્રક્રિયા દરમિયાન કંટ્રોલ રૂમ સાથે યોગ્ય સંકલન જાળવવા પર પણ ભાર મુકાયો હતો.
નાગરિકોને કોઈપણ આપાતકાલીન કે મુશ્કેલીના સમયે ઝડપી, સક્ષમ અને સમયસર પોલીસ સહાય મળી રહે તે ઉદ્દેશ સાથે પોલીસ વાહનોનો રિસ્પોન્સ ટાઈમ વધુમાં વધુ ઘટે અને કટોકટીના સમયે નાગરિકોને ત્વરિત સહાય મળે તે માટે કામગીરીનું સતત મોનિટરિંગ કરવા તેમજ જરૂરી સુધારાત્મક પગલાં ભરવા રાજ્ય પોલીસ વડાએ માર્ગદર્શન આપ્યું હતું.