ઓગસ્ટ 18, 2026 5:02 પી એમ(PM)

printer

ગુજરાતને ફ્યુચર ટેક્નોલોજીનું હબ બનાવવા સીએમ ભૂપેન્દ્ર પટેલનું આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના અમેરિકા પ્રવાસના બીજા દિવસે સેમીકંડક્ટર, AI, હેલ્થ ટેક અને ગેમિંગ જેવા વિવિધ સેક્ટર્સના 100 થી વધુ ગ્લોબલ ઈન્ડસ્ટ્રી લીડર્સ સાથે મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ બેઠકો યોજી હતી. CM પટેલે ગ્લોબલ કંપનીઓને ગુજરાતને માત્ર ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન જ નહીં, પરંતુ ફ્યુચર ટેક્નોલોજી અને સપ્લાય ચેઈન નિર્માણ માટે લોંગટર્મ સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે અપનાવવા વિશેષ આમંત્રણ આપ્યું છે.

સિલિકોન વેલી અને ગુજરાતની ક્ષમતાઓ બનશે પૂરક

અમેરિકા પ્રવાસના બીજા દિવસે મુખ્યમંત્રી અને ગુજરાત ડેલિગેશને ટેક્નોલોજી અને સેમીકંડક્ટર સેક્ટરના 100 થી વધુ લીડર્સ સાથે વિશેષ બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સિલિકોન વેલીની આધુનિક ટેક્નોલોજી અને ગુજરાતની મજબૂત ઔદ્યોગિક ક્ષમતાઓ એકબીજાની પૂરક બની શકે છે. ગુજરાત સરકાર આવી ગ્લોબલ કંપનીઓ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ઈનોવેશનથી લઈને મેન્યુફેક્ચરિંગ અને ગ્લોબલ એક્સપાન્શન સુધીની એક સંપૂર્ણ ઈકોસિસ્ટમ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.

વાયબ્રન્ટ સમિટ 2027 માટે પાઠવ્યું આમંત્રણ

મુખ્યમંત્રીએ ઉપસ્થિત ઉદ્યોગપતિઓને જાન્યુઆરી 2027 માં યોજાનારી આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે ઉદ્યોગકારોને ખાતરી આપતા કહ્યું હતું કે, કોઈપણ નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી હબની સફળતા માટે જરૂરી જમીન, વીજળી, કનેક્ટિવિટી, મૂડી, ટેલેન્ટ અને પોલિસી સ્ટેબિલિટી જેવી તમામ સુવિધાઓ ગુજરાત એકસાથે પૂરી પાડશે. ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ પણ રાજ્યના રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઝડપી મંજૂરી પ્રક્રિયા અને બિઝનેસ ફ્રેન્ડલી એપ્રોચની ભારે પ્રશંસા કરી હતી.

AI, એજ્યુકેશન અને ગેમિંગ સેક્ટર પર વિશેષ મંથન

આ પ્રવાસમાં AI, હેલ્થ ટેક, એજ્યુ ટેક અને ગેમિંગ સેક્ટરના અગ્રણીઓ સાથે પણ ખાસ રાઉન્ડ ટેબલ બેઠક યોજાઈ હતી. જેમાં લાર્જ લેંગ્વેજ મોડલ્સ, જનરેટિવ AI મોડેલ્સ અને એજ્યુકેશનમાં વીડિયો જનરેશન જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગુજરાતમાં યોજાનારા આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ગેમિંગ સેક્ટરમાં રહેલી નવી તકો અને એક સુદ્રઢ ઈકોસિસ્ટમ તૈયાર કરવા અંગે પણ ઉદ્યોગકારો સાથે ફળદાયી પરામર્શ કરવામાં આવ્યો હતો.

ગુજરાતની વિકાસ યાત્રાનું પ્રેઝન્ટેશન

આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા દ્વારા ગુજરાતની ડેવલપમેન્ટ જર્ની, વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને 2027 ના વાયબ્રન્ટ સમિટના આયોજન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.