અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી ઓટો રિક્ષાના ભાડામાં વધારો સત્તાવાર રીતે અમલમાં આવી ગયો છે. વર્ષ 2022 પછી પ્રથમ વખત લાગુ કરાયેલા આ નવા ભાડા માળખાથી એક તરફ લાખો રિક્ષાચાલકોને આર્થિક રાહત મળશે, તો બીજી તરફ દૈનિક મુસાફરો પર મોંઘવારીનો માર પડશે.
ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા અનુસાર લઘુત્તમ ભાડું પ્રથમ 1.2 કિલોમીટર માટે 25 રૂપિયા કરાયું છે. ત્યારબાદ પ્રતિ કિલોમીટર 20 રૂપિયા એટલે કે દર 200 મીટરે 4 રૂપિયા કરાયું છે.
નવા નિયમો મુજબ રાત્રિ મુસાફરી વધુ મોંઘી બનશે. રાત્રે 11:00 વાગ્યાથી સવારના 5:00 વાગ્યા સુધી મુસાફરી કરવા પર નિયમિત ભાડા ઉપરાંત 50% વધારાનો નાઇટ ચાર્જ ચૂકવવો પડશે. વધુમાં, ટ્રાફિક જામ કે અન્ય કારણોસર થતા રોકાણ દરમિયાન રિક્ષાચાલકોને નુકસાન ન થાય તે માટે નવા ભાડા માળખામાં વેઇટિંગ ચાર્જનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રિક્ષાચાલક યુનિયનની લઘુત્તમ ભાડું 30 રૂપિયા કરવાની માંગ
ઓટો રિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ રાજ શિરકેએ ભાડું વધારવા બદલ સરકારનો આભાર માન્યો હતો, પરંતુ સાથે જ કેટલીક નવી માંગણીઓ પણ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, 22 જૂન 2026ના રોજ રેટ કમિટીની બેઠકમાં હાલનું ભાડું નક્કી થયું હતું. પરંતુ ત્યારબાદ CNGના ભાવમાં બે વખત વધારો થતાં કુલ 6.02 રૂપિયાનો બોજો પડ્યો છે. આથી એસોસિએશન લઘુત્તમ ભાડું 25 રૂપિયાના બદલે 30 રૂપિયા કરવા માંગ કરી રહ્યું છે.
એસોસિએશનનો દાવો છે કે સરકારના ઉચ્ચ અધિકારીઓએ આ અંગે ફરી રેટ કમિટીની બેઠક બોલાવી વિચારણા કરવાની મૌખિક બાંહેધરી આપી છે. રિક્ષાચાલકો આશા રાખી રહ્યા છે કે સરકાર વહેલી તકે આ બેઠક યોજી તેમની માંગ સંતોષશે. હાલ પૂરતું, આજથી લાગુ થયેલા નવા ભાડાને કારણે નાગરિકોના પરિવહન ખર્ચમાં સીધો વધારો થશે.
Site Admin | ઓગસ્ટ 8, 2026 5:32 પી એમ(PM)
રિક્ષામાં હવેથી 1.2 કિમીના મિનિમમ રૂ. 25નું ભાડું ચૂકવવું પડશે, આજથી રીક્ષા ભાડામાં વધારો