ગુજરાત રાજ્યના શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા દિવ્યાંગજનો માટે સાઇડકાર જોડાયેલી મોટર સાઇકલના રજીસ્ટ્રેશન અને તેમાં જરૂરી ફેરફારને મંજૂરી આપતો સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ નિર્ણયથી દિવ્યાંગજનોની મોબિલિટી વધુ સલામત, સુગમ અને સન્માનપૂર્ણ બનશે.
સમાન તકો અને આત્મનિર્ભરતાનો ઉદ્દેશ
કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્યની તમામ RTO અને ARTO કચેરીઓને આ નવા નિયમોનું પાલન કરવાનો આદેશ અપાયો છે. શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓ પોતાના દૈનિક કાર્યો અને જરૂરિયાતો કોઈની મદદ વિના સરળતાથી પૂરી કરી શકે તેમજ સમાજમાં સમાન તકો પ્રાપ્ત કરી શકે તે હેતુથી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ નિર્ણય દિવ્યાંગજનોને વાહન વ્યવહારમાં સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટું પગલું છે.
મનો-દિવ્યાંગજનો માટે વિશેષ કાયદાકીય જોગવાઈ
આ નિર્ણયની વિશેષતા એ છે કે તેમાં શારીરિક દિવ્યાંગોની સાથે મનો-દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ સ્પષ્ટ શરતો નક્કી કરવામાં આવી છે. આવા કિસ્સાઓમાં વાહનની માલિકી અને સલામતીને ધ્યાનમાં રાખીને વાહનનું સંચાલન કાયદેસરના વાલી અથવા તેમની જાણ અને સંમતિથી કોઈ અધિકૃત વ્યક્તિ દ્વારા જ કરવાનું રહેશે. વાહન ચલાવનાર વ્યક્તિ પાસે જે તે સંબંધિત વર્ગનું માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું અત્યંત જરૂરી છે.
સુરક્ષા નિયમો અને ઝડપ મર્યાદાને સર્વોચ્ચ પ્રાથમિકતા
વાહન વ્યવહાર વિભાગ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને કડક માપદંડો બનાવવામાં આવ્યા છે. આવા સાઇડકાર વાળા વાહનોની ગતિ કોઈ પણ સંજોગોમાં કલાકના 40 કિલોમીટરથી વધુ ન હોવી જોઈએ. વાહનચાલક અને સાઇડકારમાં બેસનાર દિવ્યાંગ મુસાફર એમ બંને માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરાયું છે. સાઇડકારમાં યોગ્ય સીટ બેલ્ટ કે અન્ય સલામતી વ્યવસ્થા હોવી પણ આવશ્યક છે. આ ઉપરાંત, મોટર વ્હીકલ એક્ટ 1988 ની જોગવાઈઓ અનુસાર વાહન માટે થર્ડ પાર્ટી રિસ્ક કવર સાથેની માન્ય ‘કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી’ લેવી પણ ફરજિયાત રહેશે.