ઓક્ટોબર 14, 2026 3:31 પી એમ(PM)

printer

રાજ્યની આંગણવાડીઓમાં ગરમ રાંધેલા ભોજન માટે આંગણવાડી કાર્યકરોને સ્થાનિક ખરીદી માટે મળતા નાણાકીય દરમાં 67 ટકાનો વધારો

રાજ્યની આંગણવાડીઓમાં ગરમ રાંધેલા ભોજન માટે આંગણવાડી કાર્યકરોને સ્થાનિક ખરીદી માટે મળતા નાણાકીય દરમાં 67 ટકાનો વધારો કરાયો. આ દર અત્યાર સુધી પ્રતિલાભાર્થી પ્રતિદિવસ 5.10 રૂપિયાનો હતો. તે હવે વધારીને 8.50 રૂપિયા કરાયો છે. આંગણવાડીઓમાં નાના ભૂલકાંઓને મળતા ગરમ અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થાને મજબૂત કરવા સરકાર દ્વારા આ નિર્ણય કરાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું.

આ નિર્ણયથી રાજ્યની 53 હજાર 65 આંગણવાડીઓમાં ભણતા ત્રણથી છ વર્ષના અંદાજે 16 લાખ 17 હજારથી વધુ બાળકોને વધુ પૌષ્ટિક આહાર મળશે. ગરમ રાંધેલા ભોજનની સાપ્તાહિક યાદીમાં મગ કઠોળનો સમાવેશ કરવાનો સ્પષ્ટ નિર્ણય પણ લેવાયો છે.