ઓગસ્ટ 8, 2026 6:41 પી એમ(PM)

printer

મહેસાણાના સદુથલા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લીધી, પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિસનગર તાલુકાના સદુથલા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી વિષ્ણુભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ધરતીપુત્રો સાથે ચર્ચા કરી પોતાના બહુમૂલ્ય કૃષિ વિષયક અનુભવો વર્ણવ્યા હતા.
રાજ્યપાલશ્રીએ ખેડૂતોને જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો લોકોને તંદુરસ્ત જીવન આપવાનું કામ કરી રહ્યા છે. આપણા દેશમાં કેન્સર અને અન્ય બીજી અનેક બીમારીઓ દિવસેને દિવસે વધી રહી છે.
રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ઓછામાં ઓછું ખેતરના એક ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને જીવામૃત સહિતના બાયો ઈનપુટ્સ બનાવવાની વિધિ તથા તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું.
તેમણે ઉમેર્યું હતું કે, દર વર્ષે આપણે કરોડો રૂપિયા રાસાયણિક ખાતરરૂપી ઝેર ખરીદવામાં વિદેશોમાં આપીએ છીએ. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણા દેશનો પૈસા બહાર જતા અટકશે. તેમણે ઉમેર્યું કે, આજના સમયમાં જ્યારે જતુંનાશક દવા અને રાસાયણિક ખાતરથી ધરતીની હાલત બગડી છે, ઉત્પાદન ઘટ્યું છે અને તેનાથી ઉત્પન્ન થતી કૃષિ પેદાશો આરોગવાથી રોગ વધ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતી ન માત્ર ધરતી પરંતુ મનુષ્યોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ગંભીર બીમારી લાવતી રાસાયણિક ખેતીને ત્યજીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મહેસાણા જિલ્લાના સદુથલા ગામની મુલાકાતે પધાર્યા હતા. આ મુલાકાત દરમિયાગ્રામીણ ઉત્થાન અને કૃષિ વિષયક બાબતો પર સવિસ્તાર ચર્ચા કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજની પેઢી અને આવનારા ભવિષ્યને બચાવવા માટે આપણે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે. ધરતી માતાને ઝેરમુક્ત કરવી એ આપણી સૌની નૈતિક જવાબદારી છે. જો ગામડાઓ પ્રાકૃતિક ખેતી અપનાવતા થશે, તો આખું રાષ્ટ્ર આપોઆપ તંદુરસ્ત અને સમૃદ્ધ બનશે. આ પ્રસંગે તેમણે રાસાયણિક ખેતી, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો સૂક્ષ્મ ભેદ પણ ગ્રામજનોને સમજાવ્યો હતો.
નવી પેઢીના ઘડતર અંગે ચિંતા વ્યક્ત કરતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, જો સંતાનો સંસ્કારી અને વ્યસનમુક્ત હશે, તો જ દેશની સંપત્તિ અને સમાજ સુરક્ષિત રહેશે. બાળકોને પૂરતું શિક્ષણ અપાવવા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, બાળક શિક્ષિત અને સંસ્કારી હશે તો તે જાતે ધન એકઠું કરી લેશે, પરંતુ જો તે વ્યસની બનશે તો ભેગું કરેલું ધન પણ વેડફી દેશે. તેમણે યુવાઓને વડીલોની આજ્ઞાનું પાલન કરવા અને વેદોમાં દર્શાવેલા પ્રાચીન સંસ્કારોના માર્ગે ચાલવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, ખેતીવાડી વિભાગના અધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.