ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેલણ ગામે ભારતના ત્રીજા સ્પેસપોર્ટના પ્રસ્તાવિત વિકાસને લઈને મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાએ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાથે વેલણ ગામે પ્રસ્તાવિત સ્થળની મુલાકાત લઈ જમીનનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
મંત્રીશ્રીઓએ સ્થળ પર જમીનની ઉપલબ્ધતા, જમીન સંપાદનની કામગીરી, સ્થળનું ટેકનિકલ મૂલ્યાંકન તેમજ ભૌગોલિક પરિસ્થિતિઓ સહિતના વિવિધ પાસાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી સંભવિત વિકાસ અંગેની વિગતો મેળવી હતી.