રાજકોટના ગાર્ડી વિદ્યાપીઠ અને યંગ ઈન્ડિયન્સ (Yi) સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આગામી 12 ઓગસ્ટ 2026 ના રોજ ‘Yi-ગાર્ડી કેમ્પસ કનેક્ટ 2026’ નામે એક વિશાળ મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ જોબ ફેરમાં 50 થી વધુ નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહેશે, જે સૌરાષ્ટ્રના યુવાઓ માટે 300 જેટલી નોકરીની તકો એક જ છત નીચે પૂરી પાડશે.
વિવિધ ક્ષેત્રોની કંપનીઓ અને 1 કરોડ સુધીના પેકેજની તક
આ મેગા જોબ ફેરમાં આઇટી (IT), કોમ્પ્યુટર, મિકેનિકલ, ડેટા સાયન્સ, બેંકિંગ એન્ડ ફાઇનાન્સ, ઇન્શ્યોરન્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ઇવેન્ટ મેનેજમેન્ટ, હોસ્પિટાલીટી, મેડિકલ, પેરામેડિકલ અને એડવર્ટાઇઝિંગ સહિતના ક્ષેત્રોની જાણીતી કંપનીઓ ભાગ લેશે. ફ્રેશર્સ તેમજ અનુભવી ઉમેદવારો માટે 300 થી વધુ અલગ-અલગ જગ્યાઓ પર પસંદગી કરવામાં આવશે. ઉમેદવારો આ જોબ ફેરના માધ્યમથી કુલ 1 કરોડ સુધીના પેકેજ મેળવી પોતાની સફળ કારકિર્દીનું પહેલું પગલું ભરી શકશે.
કોણ લઈ શકશે ભાગ અને કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન ?
રાજકોટ, જામનગર, ગોંડલ, અમરેલી અને પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રની કોઈપણ કોલેજ અને શાખાના પ્રિ-ફાઇનલ તેમજ ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ આ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. આ ઉપરાંત, અનુભવી વર્કિંગ પ્રોફેશનલ્સ માટે પણ અહીં તકો ઉપલબ્ધ છે. જોબ ફેરમાં જોડાવા ઇચ્છુક તમામ ઉમેદવારોએ સંસ્થાની સત્તાવાર વેબસાઇટ www.gardividyapith.ac.in પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે.
AI ના યુગમાં વધતી માંગ અને ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા
સંસ્થાના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના હેડ પ્રો. રચિતા મહેતાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં AI અને ટેકનોલોજીના વિકાસની સાથે દરેક કંપનીમાં સ્માર્ટ અને મહેનતુ માનવ સંસાધનની માંગ ખૂબ વધી ગઈ છે. તેમણે જાગૃત વાલીઓને પોતાના સંતાનો અને સ્નેહીજનોને આ તક વિશે માહિતગાર કરવા અપીલ કરી હતી. ગાર્ડી વિદ્યાપીઠના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જય મહેતાના નેતૃત્વમાં આયોજનને સફળ બનાવવા સંસ્થાના કર્મચારીઓ કાર્યરત છે. શ્રી જય મહેતાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ વધુમાં વધુ સંખ્યામાં આ તકનો લાભ લઈ શકે તે માટે શહેરના અલગ-અલગ પોઇન્ટ પરથી ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.