ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની કેટલીક બેઠક પર યોજાયેલી સામાન્ય ચૂંટણી અને પેટાચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા હાલમાં મળતા અહેવાલ મુજબ, ગાંધીનગર મહાનગરપાલિકાના 44 વૉર્ડમાંથી 38 વૉર્ડ પર ભાજપ, પાંચ વૉર્ડ પર કૉંગ્રેસ અને એક વૉર્ડ પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.
જ્યારે બનાસકાંઠાની થરા નગરપાલિકામાં કુલ 24 બેઠકમાંથી ભાજપનો 19 અને કૉંગ્રેસન પાંચ બેઠક પર વિજય થયો છે. તો, દેવભૂમિદ્વારકાના ઓખા નગરપાલિકાની કુલ 36 બેઠકમાંથી 29 ભાજપ અને ત્રણ કૉંગ્રેસના ફાળે ગઈ છે. જ્યારે ચાર બેઠક બિનહરીફ થયાના અહેવાલ છે.
દેવભૂમિદ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરૂ કંડોરિયાનો વિજય થયો.
છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-4ની પેટા ચૂંટણીનાં પરિણામો જાહેર કરાતાં ભાજપનાં ઉમેદવાર રંજની રાઠવાએ જીત હાંસલ કરી.
મહેસાણાની ખેરાલુ નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપના શુભમ પટેલને સૌથી એક હજાર પાંચ મત મળતા તેમને વિજેતા જાહેર કરાયા. ઉપરાંત રાજકોટની પડધરી તાલુકા પંચાયતની પડધરી બેઠકની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવારનો વિજય થયો.