ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ખેરાલુ, છોટાઉદેપુર અને બાયડ નગરપાલિકા, દેવભૂમિદ્વારકા જિલ્લા પંચાયત, પડધરી, સતલાસણા અને હારીજ તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગની યાદી મુજબ, ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વૉર્ડમાં અત્યાર સુધીમાં સરેરાશ 31.90 ટકા મતદાન નોંધાયું છે. આ ચૂંટણી માટે કુલ 2,59,985 મતદાર નોંધાયા છે. જ્યારે બનાસકાંઠાની થરા નગરપાલિકાના છ વૉર્ડ માટે અત્યાર સુધી સરેરાશ 53 ટકા મતદાન નોંધાયું. આ બેઠક પર કુલ 12 હજાર 916 મતદાર નોંધાયા છે. જ્યારે દેવભૂમિદ્વારકાની ઓખા નગરપાલિકાના નવ વૉર્ડ માટે કુલ 36,523 મતદાર નોંધાયા. તેમાં સરેરાશ 33.53 ટકા મતદાન નોંધાયું.
પેટાચૂંટણી પર નજર કરીએ તો, મહેસાણાની ખેરાલુ નગરપાલિકા માટે 37.83, છોટાઉદેપુર નગરપાલિકા માટે 35.47 અને અરવલ્લીની બાયડ નગરપાલિકા માટે 27.97 ટકા સરેરાશ મતદાન થયું.
ગાંધીનગરનાં મેયર મીરાં પટેલે રાયસણ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. સાથે જ તેમણે સૌને મતદાન કરવા અપીલ કરી છે.