ઓગસ્ટ 17, 2026 5:15 પી એમ(PM)

printer

ગુજરાતમાં AI ઇકોસિસ્ટમ માટે ₹100 કરોડના MoU

ગાંધીનગર ખાતે રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તથા વૈશ્વિક ટેકનોલોજી કંપની ‘Automation Anywhere’ વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યા છે. મંત્રી અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમાં થયેલા આ કરાર હેઠળ, રાજ્યના યુવાઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની તાલીમ આપવા માટે આગામી 10 વર્ષમાં અંદાજે 100 કરોડ રૂપિયાનો સહયોગ પૂરો પાડવામાં આવશે.

યુવાનોને AI માટે સજ્જ કરવાની પ્રધાનમંત્રીની નેમ થશે સાકાર

આજે ગાંધીનગરમાં આયોજિત આ કાર્યક્રમમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 80 મા સ્વાતંત્ર્ય પર્વે દેશના 1 કરોડ યુવાઓને AI તાલીમ આપીને સજ્જ કરવાની જાહેરાત કરી છે. આ દિશામાં ગુજરાતમાં AI અંગે જાગૃતિ અને ક્ષમતાવર્ધન વધારવા તેમજ સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગ વધુ મજબૂત કરવા આ MoU કરવામાં આવ્યા છે.

10 વર્ષમાં 100 કરોડનો સહયોગ: જાણો શું છે કંપનીની ભૂમિકા?

આ કરાર અંતર્ગત આગામી 10 વર્ષના સમયગાળામાં 100 કરોડ રૂપિયા સુધીનો માતબર સહયોગ આપવામાં આવશે. કંપની દ્વારા ગુજરાતમાં AI અને મશીન લર્નિંગ અંગેના તાલીમ કાર્યક્રમો, વર્કશોપ અને સેમિનાર યોજવામાં આવશે. આ ઉપરાંત કંપની પોતાના ખર્ચે ટ્રેનર્સ, વિષય નિષ્ણાતો અને મેન્ટર્સ પૂરા પાડશે. તાલીમાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ મળી રહે તે હેતુથી કંપનીના નો-કોડ/લો-કોડ ઓટોમેશન પ્લેટફોર્મના કોમ્યુનિટી એડિશન લાયસન્સ પણ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સરકારની ભૂમિકા અને ભવિષ્યની અસરો

રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા વિવિધ સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ, MSMEs, સ્ટાર્ટઅપ્સ અને યુવાઓ સાથે સંકલન કરવામાં આવશે. સરકાર આ તાલીમ કાર્યક્રમો માટે જરૂરી માળખાકીય સુવિધાઓ અને સ્થળ પૂરા પાડશે. આ સહયોગથી ગુજરાતમાં AI, ઓટોમેશન અને ઈમર્જિંગ ટેકનોલોજી ક્ષેત્રે એક અત્યંત કુશળ માનવબળ તૈયાર થશે. Automation Anywhere ના કો-ફાઉન્ડર અને COO અંકુર કોઠારી DST ના આઈસીટી નિયામક કવિતા શાહ તથા કંપનીના SVP સંજય રોહતગી અને સ્ટ્રેટેજીસ બિઝનેસ ડાયરેક્ટર નેવિલે શુક્લા પણ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.