ઓગસ્ટ 26, 2026 3:16 પી એમ(PM)

printer

ગાંધીનગરના જામળામાં 77મા વન મહોત્સવની ઉજવણી: 551 વૃક્ષોનું વાવેતર

ગાંધીનગર જિલ્લાના જામળા ગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં 77મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વેગ આપવા માટે વિવિધ દેશી વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ પર્યાવરણ સંરક્ષણની સાથે માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયાઓને પણ ચેતવણી આપી હતી.

આસુદેવ મહાદેવ મંદિર પરિસરમાં 551 દેશી વૃક્ષોનું રોપણ 

77મા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જામળામાં આવેલા આસુદેવ મહાદેવ મંદિરના પવિત્ર પરિસરમાં કુલ 551 જેટલા દેશી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસ અને શિવ મંદિરના પવિત્ર વાતાવરણને અનુરૂપ અહીં 300થી વધુ બીલીના છોડ રોપવામાં આવ્યા હતા. આ ઉપરાંત આંબા, લીમડા અને આસોપાલવ જેવા છાંયડો અને શુદ્ધ ઓક્સિજન આપતા વૃક્ષોનું પણ વિશેષ વાવેતર કરાયું હતું.

‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં જોડાવા મંત્રીની અપીલ 

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ પૂજન અને શુદ્ધ જીવન જ આપણી સાચી સંસ્કૃતિ છે. તેમણે હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ અટકાવવાને દરેક નાગરિકની નૈતિક ફરજ ગણાવી હતી. મંત્રીએ વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં સૌને ઉત્સાહભેર જોડાવા અને પ્રકૃતિના જતન માટે એકજૂટ થવા આહ્વાન કર્યું હતું.

ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી 

પર્યાવરણની સુરક્ષાની સાથે આરોગ્ય મંત્રીએ ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અંગે આકરા શબ્દોમાં ચેતવણી આપી હતી. તહેવારોની સિઝનમાં બજારમાં બનાવટી ઘી, માવો અને કેમિકલયુક્ત સોસ વેચનારા લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ ચલાવી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેમ સ્પષ્ટ કર્યું હતું. આ સાથે જ તેમણે ખેડૂતોને રાસાયણિક ખાતરોનો વ્યાપ ઘટાડી પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

વ્યસનમુક્ત સમાજ માટેનો સંકલ્પ 

કાર્યક્રમના અંતમાં, સ્વસ્થ અને નિરોગી સમાજના નિર્માણ માટે મંત્રીએ ઉપસ્થિત તમામ ગ્રામજનો અને યુવાનોને વ્યસનમુક્ત રહેવા માટેનો સંકલ્પ લેવડાવ્યો હતો. આગામી દિવસોમાં વન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા રોપાયેલા આ તમામ 551 વૃક્ષોના ઉછેર અને જાળવણી માટે વિશેષ કાળજી લેવામાં આવશે, તેમજ ભેળસેળ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ વધુ સઘન બનશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.