કેબિનેટ બેઠકમાં સોલાર રૂફટોપ સિસ્ટમ માટે રાજ્ય સરકાર તરફથી વધારાની સબસિડી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ સામાન્ય વીજ ગ્રાહકે સોલાર સિસ્ટમના ખર્ચનો માત્ર 10% ફાળો ભોગવવાનો રહેશે. જ્યારે, SC/ST કેટેગરીના વીજ ગ્રાહકે માત્ર 5% ફાળો જ આપવાનો રહેશે.
બાકીનો તમામ ખર્ચ કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સબસિડી રૂપે ચૂકવવામાં આવશે.
આ નવા નિર્ણયથી રાજ્યના ૩ લાખથી વધારે પરિવારોને સીધો લાભ થશે, જેમના માટે રાજ્ય સરકાર અંદાજે 1 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
સામાન્ય તથા ગરીબ પરિવારોને વીજળી નજીવા દરે મળે તે માટે આ નિર્ણય કરાયો હોવાનું મંત્રી શ્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
આ સાથે કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “રાજ્યમાં શ્રમિકોની જરૂરિયાત મુજબ જ્યાં પણ જરૂર જણાય, ત્યાં હજુ પણ વધુ નવા અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ કરવા સૂચના આપી હતી.
રાજ્ય સરકાર શ્રમિકો અને ગરીબ કલ્યાણ માટે સતત સંવેદનશીલતાથી કામ કરી રહી હોવાનું પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.