વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકરે આજે નવી દિલ્હીમાં બ્રિક્સ શિખર સંમેલન પહેલા બ્રાઝિલના વિદેશ મંત્રી માઉરો વિએઈરાનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું, બંને નેતાએ દ્વિપક્ષીય સંબંધ અંગે ચર્ચા કરી. દરમિયાન વેપાર અને રોકાણ, સંરક્ષણ, ઉર્જા, કૃષિ અને અવકાશના ક્ષેત્રમાં સહકાર વધારવાના ઉકેલ પર વિચાર-વિમર્શ કરાયો.
ડૉક્ટર જયશંકરે કહ્યું, સંયુક્ત રાષ્ટ્ર, જી-20 અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનના માધ્યમથી બહુપક્ષીય સહકાર પર પણ ચર્ચા કરવામાં આવી. બંને મંત્રીઓએ વર્તમાન ભૂ-રાજકીય સ્થિતિ પર પણ વિચારોની આપ-લે કરી. ડૉ. જયશંકરે કહ્યું, બ્રિક્સ શિખર સંમેલન, સભ્ય દેશો વચ્ચે સંવાદ અને રાજદ્વારીને આગળ વધારવા માટે મહત્વનું છે.
ડૉ. જયશંકરે ઉરુગ્વેના વિદેશ મંત્રી મારિયો લુબેત્કિન સાથે પણ મુલાકાત કરી. ડૉ. જયશંકરે કહ્યું, બંને નેતાઓ વચ્ચે વેપાર, સંપર્ક અને સંસ્કૃતિ સહિત દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા સાર્થક સંવાદ થયો. ડૉ. જયશંકરે સેલેક અને માર્કોસરની સાથે ભાગીદારીને મજબૂત કરવામાં ઉરુગ્વેના સમર્થનની પ્રશંસા કરી. તેમણે આંતર-રાષ્ટ્રીય અને ગઠબંધનમાં સામેલ થવા ઉરુગ્વેનો સમર્થન આપતો દસ્તાવેજ પણ પ્રાપ્ત કર્યો.