કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજમાર્ગની ગુણવત્તા સુધારવા અને બાંધકામ તેમજ જાળવણી ખર્ચ ગટાડવા નવી ટેક્નોલૉજી, બાંધકામ પદ્ધતિઓ અને ખર્ચ-અસરકારક સામગ્રીને વ્યાપકપણે અપનાવવા હાકલ કરી.
નર્મદામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે “ગતિશક્તિથી પ્રગતિ”ના વિષય હેઠળ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની બે દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા શ્રી ગડકરીએ કહ્યું, આ શિબિરમાં ભવિષ્ય માટે સજ્જ રાજમાર્ગ માળખાકીય સુવિધા માટે કાર્યસૂચિ નક્કી કરવામાં આવી.
આ શિબિરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં પરિયોજના અમલીકરણ અને માળખાકીય સુવિધાઓના પરિણામોમાં સુધારો કરવા વિવિધ રાજ્યો દ્વારા અપનાવાયેલી સફળ પદ્ધતિઓ એકબીજાને જણાવવા પર ભાર આપ્યો. તેમણે આ પદ્ધતિઓનું મૂલ્યાંકન કરવા અને યોગ્ય હોય ત્યાં તેના અનુકરણ કરવા પણ જણાવ્યું.
શ્રી ગડકરીએ ભારપૂર્વક કહ્યું, રાજમાર્ગ વિકાસ ગુણવત્તા, સુરક્ષા, ઝડપ અને વિશ્વસ્તરીય ધોરણો પર ધ્યાન કેન્દ્રીત કરતો હોવો જોઈએ. તેમણે વિગતવાર પરિયોજના અહેવાલ એટલે કે, DPR તબક્કે અગાઉથી આયોજન અને સજ્જતા પર વધુ ભાર મૂકવા અપીલ કરી. શ્રી ગડકરીએ કહ્યું, પ્રારંભિક તબક્કે વધુ સારી સજ્જતા વિલંબને ઘટાડવામાં, ખર્ચમાં વધારો ટાળવામાં અને ધોરીમાર્ગ પરિયોજનાની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરી શકે છે.
કેન્દ્રીય મંત્રીએ માર્ગ સલામતીને શરૂઆતથી જ રાજમાર્ગ આયોજન અને પરિયોજનાના આકારમાં સાંકળવાની આવશ્યકતા પર ભાર આપ્યો. તેમણે આધુનિક રાજમાર્ગોએ શહેરો, નગરો, બંદરો, બજારો અને ઔદ્યોગિક કેન્દ્રો વચ્ચે અવિરત કનેક્ટિવિટી પૂરી પાડવી જોઈએ તેમ પણ જણાવ્યું.
આ ઉદ્ઘાટન સત્ર દરમિયાન ‘ઍન્વાયર્નમેન્ટ અને વાઇલ્ડલાઇફ મિટિગેશન મેઝર્સ’ પર દસ્તાવેજ અને ‘પર્સપેક્ટિવ્સ ઇન સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ’ પર બ્રિક્સ કમ્પિલિશન પણ લોન્ચ કરાયું.