ઓગસ્ટ 6, 2026 6:03 પી એમ(PM)

printer

ગુજરાત પોલીસની ડ્રગ્સ માફિયાઓ પર કાર્યવાહી : કચ્છમાં ડ્રગ્સ પેડલર પિંટુ યાદવની 22.31 લાખની મિલકત જપ્ત

રાજ્યના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને ડ્રગ્સના નેટવર્કને જડમૂળથી નાબૂદ કરવા ગુજરાત પોલીસે હવે આક્રમક વલણ અપનાવ્યું છે. માત્ર ગુનેગારોને પકડીને જેલમાં ધકેલવાને બદલે તેમની કાળી કમાણીથી ઊભી કરેલી મિલકતો જપ્ત કરવાની કડક ઝુંબેશ શરૂ કરાઈ છે. આ નવી રણનીતિ અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે એક કુખ્યાત ડ્રગ પેડલરની 22.31 લાખ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકત સરકારી ચોપડે જપ્ત કરી છે.

ગુનેગારોની આર્થિક કમર તોડવા નવી વ્યૂહરચના

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકની સ્પષ્ટ સૂચનાઓ અનુસાર, પોલીસે હવે ડ્રગ્સ માફિયાઓના આર્થિક નેટવર્કને ધ્વસ્ત કરવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. ડ્રગ્સના ગેરકાયદે વેપાર દ્વારા વસાવાયેલી મિલકતો શોધી કાઢીને ગુનેગારો સામે SAFEMA/NDPSA હેઠળ આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી નશાનો વેપાર કરતા તત્વોની આર્થિક કમર તોડી શકાય.

પૂર્વ કચ્છ પોલીસની ઐતિહાસિક કામગીરી

સરહદી રેન્જ ભુજ-કચ્છના આઈજીપી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના સીધા માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે એક મજબૂત કાયદાકીય કેસ તૈયાર કર્યો હતો. આ કેસ મુંબઈ ખાતેની SAFEMA કોમ્પેટેન્ટ ઓથોરિટી સમક્ષ રજૂ કરીને મિલકત જપ્તીનો આદેશ મેળવવામાં પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા 3 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ કેસમાં SAFEMA હેઠળ મિલકત જપ્ત કરાવવાની પૂર્વ કચ્છ પોલીસની આ પ્રથમ અને સૌથી સફળ કામગીરી છે, જે રાજ્યના અન્ય પોલીસ યુનિટ્સ માટે ઉદાહરણરૂપ બની છે.

ડ્રગ પેડલર પિંટુ યાદવની મિલકતો સીઝ

ગાંધીધામ ખાતે અગાઉ 3 થી 4 વખત માદક પદાર્થોની હેરાફેરીના કેસમાં પકડાઈ ચૂકેલા કુખ્યાત આરોપી પિંટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવ વિરુદ્ધ એસઓજી ટીમે આ કડક કાર્યવાહી કરી છે. પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે આરોપીએ પોતાના અને પોતાની પત્નીના નામે ડ્રગ્સના કાળા કારોબારમાંથી લાખોની મિલકતો વસાવી હતી. પોલીસે આરોપીનું 15 લાખ રૂપિયાનું મકાન અને 3 વાહનો મળીને કુલ 22,31,000 રૂપિયાની મિલકત જપ્ત કરી લીધી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.