દ્વારકા જિલ્લામાં વધતા જતા માર્ગ અકસ્માતોને અંકુશમાં લેવા અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી પોલીસ દ્વારા એક મેગા ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા ચાર રસ્તા ખાતેથી આ સઘન વાહન ચેકિંગ ઝુંબેશનો આરંભ કરવામાં આવ્યો છે, જે આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં લાગુ કરાશે.
ખંભાળિયાથી શરૂ થઈ ડ્રાઇવ, વાહનોનું સઘન ચેકિંગ
દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહના માર્ગદર્શન હેઠળ હાઈવે પર થતા જીવલેણ અકસ્માતો નિવારવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આ મેગા ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ખંભાળિયાના મુખ્ય ચાર રસ્તા પાસેથી પોલીસ કાફલા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા મોટી સંખ્યામાં વાહનો અટકાવીને તેમનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રસ્તા પર પોલીસની આ આકસ્મિક અને કડક કાર્યવાહીથી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
બ્લેક ફિલ્મ, વીમા અને લાયસન્સ વગરના ચાલકો સામે કાર્યવાહી
આ ચેકિંગ ઝુંબેશ દરમિયાન પોલીસે વિશેષ રૂપે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે લાલ આંખ કરી હતી. કારના કાચ પર પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવેલા વાહનચાલકોને અટકાવીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, વાહનનો માન્ય વીમો ન ધરાવતા તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન હંકારતા ડ્રાઈવરોની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી. ટ્રાફિકના અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે પણ સ્થળ પર જ કાયદેસરનાં પગલાં લેવાઈ રહ્યા છે.
સમગ્ર દ્વારકા જિલ્લામાં ચાલશે અવેરનેસ ઝુંબેશ
પોલીસની આ કામગીરીનો મુખ્ય હેતુ માત્ર દંડ વસૂલવાનો જ નથી, પરંતુ વાહનચાલકોમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ લાવવાનો પણ છે. હાલમાં ખંભાળિયાથી શરૂ થયેલી આ મેગા ટ્રાફિક ડ્રાઇવ સમગ્ર દ્વારકા જિલ્લાના અલગ-અલગ વિસ્તારો અને હાઈવે પર યોજવામાં આવશે.