ઓગસ્ટ 6, 2026 6:04 પી એમ(PM)

printer

બનાસકાંઠામાં BAOU ના પ્રથમ પ્રાદેશિક કેન્દ્રનું ખાતમુહૂર્ત, ‘પહેલી ઈંટનાં સાક્ષી’ કાર્યક્રમ યોજાયો

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ પાલનપુર ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રથમ પ્રાદેશિક કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ નવું કેન્દ્ર બનવાથી બનાસકાંઠા અને સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણની સુવિધા પ્રાપ્ત થશે.

‘પહેલી ઈંટના સાક્ષી’ માત્ર ઈમારત નહીં, વિદ્યાર્થીઓના વિશ્વાસનું પ્રતીક

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માત્ર એક ઈમારતના નિર્માણની શરૂઆત નથી, પરંતુ હજારો વિદ્યાર્થીઓના વિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક છે. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરના ‘શિક્ષિત બનો’ મંત્ર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં શિક્ષણની ભૂમિકાને અત્યંત મહત્વની ગણાવી હતી. મંત્રીએ શહીદોના પરિવારજનો, જેલના કેદીઓ, ટ્રાન્સજેન્ડર અને દિવ્યાંગો માટે યુનિવર્સિટી દ્વારા અપાતા નિઃશુલ્ક શિક્ષણને સર્વસમાવેશી શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.

10 કરોડના ખર્ચે બનશે અદ્યતન શૈક્ષણિક ભવન

યુનિવર્સિટીની 32 વર્ષની વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતાં મંત્રીએ માહિતી આપી કે, પાલનપુર-અંબાજી હાઈવે પર નવી RTO ઓફિસ પાસે આશરે 10 કરોડ રૂપિયાના ખર્ચે નવો અદ્યતન શૈક્ષણિક અને નિવાસી બ્લોક બનશે. ડિજિટલ યુગને અનુરૂપ યુનિવર્સિટી દ્વારા 5000 થી વધુ વિડિયો લેક્ચર્સ અને ટેક્નોલોજીના માધ્યમથી અભ્યાસ પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી રહી છે. જે કાર્યનું ખાતમુહૂર્ત થયું છે, તેનું લોકાર્પણ પણ ઝડપથી થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મોટા શહેરો જેવું ઉચ્ચ શિક્ષણ હવે સ્થાનિક સ્તરે મળશે

પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે, આ કેન્દ્રની સ્થાપનાથી અમદાવાદ, ગાંધીનગર, મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં મળતું ઉચ્ચ શિક્ષણ હવે સ્થાનિક વિદ્યાર્થીઓને પોતાના વિસ્તારમાં જ પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને BAOU ના કુલપતિ પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.