ઓગસ્ટ 18, 2026 6:55 પી એમ(PM)

printer

સાપુતારા પછી ડાંગનું બીજું હિલ સ્ટેશન : ‘ડોન’ હિલ સ્ટેશન બન્યું પ્રકૃતિપ્રેમીઓનું આકર્ષણ

ડાંગ જિલ્લામાં ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે સહ્યાદ્રિ પર્વતમાળાની હરિયાળી વચ્ચે 1000 મીટરની ઊંચાઈએ આવેલું ‘ડોન’ ગામ પ્રવાસીઓ માટે નવું હોટસ્પોટ બન્યું છે. ચોમાસાની ઋતુમાં ધુમ્મસ અને લીલોતરીથી ઢંકાયેલું આ સ્થળ સાપુતારા પછી ગુજરાતના બીજા હિલ સ્ટેશન તરીકે ઊભરી રહ્યું છે, જ્યાં કુદરતી સૌંદર્ય માણવા માટે પ્રકૃતિપ્રેમીઓનો મોટો મેળાવડો જોવા મળી રહ્યો છે.

દ્રોણાચાર્ય સાથે જોડાયેલો ઇતિહાસ અને ગીધ સંવર્ધન કેન્દ્ર

ડોન ગામનું નામ મહાભારત કાળના ગુરુ દ્રોણાચાર્ય પરથી પડ્યું હોવાની લોકવાયકા છે. પ્રાચીન દંડકારણ્ય પ્રદેશનો હિસ્સો ગણાતા આ સ્થળની તળેટીમાં સ્થાનિક વન વિભાગ દ્વારા લુપ્ત થઈ રહેલા સફેદ ડોક ધરાવતા ગીધો માટે સંવનન અને સંવર્ધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓને વન્યજીવોના જતનનો સંદેશ આપવા માટે ડોન હિલ પર ગીધરાજની એક વિશાળકાય પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે, જે આકર્ષણનું કેન્દ્ર બની છે.

આગવી આદિવાસી સંસ્કૃતિ અને હસ્તકલાનો વારસો

આ પર્વતીય વિસ્તારમાં મુખ્યત્વે ડાંગી આદિવાસી સમાજ વસે છે, જેમાં ભીલ, કુકણા, કુનબી અને વારલી જનજાતિઓનો સમાવેશ થાય છે. આ પ્રજા પ્રકૃતિપૂજા, વાઘદેવ અને ડુંગરદેવની આરાધના સાથે જોડાયેલી છે. પાવરી અને કહાડિયા નૃત્ય ડોન સહિત સમગ્ર ડાંગની આગવી સાંસ્કૃતિક ઓળખ છે. વરસાદી ખેતી ઉપરાંત, અહીં કુદરતી રીતે ઊગતા હજારો આંબાના વૃક્ષો અને વન પેદાશો થકી સ્થાનિકો પોતાની આજીવિકા રળે છે.

આહવાથી 33 કિમી દૂર, અનેક પ્રવાસન સ્થળોથી સમૃદ્ધ

ડોન ગામ આહવાથી 33 કિમી અને સાપુતારાથી 55 કિમીના અંતરે આવેલું છે. અહીં નવા માર્ગો બનવાથી પહોંચવું સરળ બન્યું છે. ડોનમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત વ્યૂ પોઈન્ટ, વલ્ચર પોઈન્ટ, ધોધ અને જંગલના ટ્રેકિંગ રૂટ્સ આવેલા છે. આ ઉપરાંત, નજીકમાં ચિંચલી અને ગારખડીના ડુંગરો, સીતાવન, પાંડવ ગુફા, અંજની કુંડ અને મહારાષ્ટ્રની હદમાં આવેલા સાલહેર-મુલ્હેર કિલ્લાઓ તેમજ માંગી તુંગી જૈન તીર્થધામ પણ પ્રવાસીઓની પસંદ બની રહ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.