કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે લોકોમાં જાગૃતિ લાવવા દીવ પોલીસ વિભાગ દ્વારા બ્રિજ સર્કલ ખાતે વિશેષ લોકજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. દીવ પોલીસ અધિક્ષક શ્રી રામ કૃષ્ણ સરનના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક સ્પેશ્યલ ટીમ તથા પોલીસ સ્ટાફે વાહનચાલકો સાથે સંવાદ કરી માર્ગ સુરક્ષાના નિયમો અંગે જરૂરી સમજ આપી હતી.
અભિયાન દરમિયાન પોલીસ દ્વારા ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોને વાહન ચલાવતી વખતે હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરવા તેમજ ફોર-વ્હીલર ચાલકોને સીટ બેલ્ટ પહેરવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત દારૂના નશામાં વાહન ન ચલાવવા અને રસ્તા પર અન્ય વાહનચાલકો તથા રાહદારીઓની સલામતીનું ધ્યાન રાખવા અંગે પણ સમજ આપવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, ટ્રાફિકના નિયમો માત્ર કાયદાકીય જોગવાઈઓ નહીં પરંતુ માર્ગ પર દરેક વ્યક્તિની સુરક્ષા સાથે સીધી રીતે સંકળાયેલા છે. નિયમોનું પાલન કરવાથી માર્ગ અકસ્માતોની સંભાવના ઘટાડવાની સાથે અનેક અમૂલ્ય માનવજીવન બચાવી શકાય છે.
દીવ પોલીસ વિભાગે નાગરિકોને પોતાની તેમજ અન્ય લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા અપીલ કરી છે. પોલીસનું આ અભિયાન માર્ગ સુરક્ષા અંગે નાગરિકોમાં જવાબદારીની ભાવના વિકસાવવાના પ્રયાસરૂપે યોજાયું હતું.