આફ્રિકી દેશ કોંગો લોકતાંત્રિક ગણરાજ્યના પૂર્વીય ભાગમાં આવેલા બુકાવુ શહેરમાં એક ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 27 બાળકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 300 જેટલા મકાનો અને 2 શાળાઓ બળીને રાષ્ટ્રીય સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું છે.
ભારે તારાજી: 29 લોકો ઈજાગ્રસ્ત અને શાળાઓને નુકસાન
સરકારી સમાચાર એજન્સી ‘એજન્સ કોંગોલીઝ ડી પ્રેસે’ દ્વારા 10 સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલા રિપોર્ટ મુજબ, આ ગોઝારી ઘટનામાં 27 બાળકો (જેમાં 19 છોકરીઓ અને 8 છોકરાઓ) એ જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલ અને શાળાના સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આગમાં 29 લોકો ઘાયલ પણ થયા છે. જેમાંથી 17 લોકોની સારવાર કદુતુ જનરલ હોસ્પિટલમાં અને અન્ય 12 ની સારવાર કદુતુ પ્રોવિન્શિયલ જનરલ રેફરલ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ આગમાં 300 થી વધુ ઘરો બળી ગયા છે, સાથે જ બાગીરા કમ્યુનની ઇપી મોસાલા અને કદુતુ કમ્યુનની ઇપી નોંગો નામની 2 શાળાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
આગનું કારણ અકબંધ, મૃત્યુઆંક વધવાની આશંકા
આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ ખૂબ જ ઝડપથી કાશેકે, લુગુલુ અને એલિલા એમ 3 રસ્તાઓ સુધી ફેલાઈ ગઈ હતી. ગંભીર રીતે દાઝેલા લોકોની સ્થિતિ જોતા આગામી સમયમાં મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. નોંધનીય છે કે, સુદ-કિવુ પ્રાંતની રાજધાની બુકાવુ પર હાલમાં રવાન્ડાની સેના અને તેના M23 મિલિશિયા જૂથનો કબજો છે, જેના કારણે કદાચ વહીવટી કામગીરીઓ પણ પ્રભાવિત થઈ છે.
સ્થાનિકોમાં ભયનો માહોલ: સરકાર પાસે મદદની ગુહાર
શહેરમાં સતત બની રહેલી આગની ઘટનાઓથી લોકોમાં ભયનો માહોલ છે. આ ભયાનક દુર્ઘટના બાદ એક સ્થાનિક નિવાસીએ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, “અમને ખબર નથી કે બુકાવુમાં શું થઈ રહ્યું છે. એક મહિનાની અંદર આગ લાગવાની 18 ઘટનાઓ બની છે, જેમાં 50 થી વધુ લોકોના મોત થયા છે. અમને સરકારની તાત્કાલિક મદદની જરૂર છે. શાળાનું નવું સત્ર શરૂ થઈ રહ્યું છે, આવી સ્થિતિમાં અમને ખબર નથી કે અમે બાળકો સાથે રાત ક્યાં વિતાવીશું.”