ઓગસ્ટ 7, 2026 7:19 પી એમ(PM)

printer

દમણમાં ગેસ બિલ બાકી હોવાના બહાને APK ફાઇલ ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં સાયબર છેતરપિંડીના નવા કિસ્સાઓ સામે આવતા જિલ્લા પોલીસે નાગરિકો માટે એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે. અદાણી ગેસ સહિતની અન્ય જાણીતી કંપનીઓના નામે ગેસ કનેક્શન કાપી નાખવાની ધમકી આપીને સાયબર ગઠિયાઓ નાગરિકોના મોબાઈલમાં શંકાસ્પદ APK ફાઇલ ડાઉનલોડ કરાવી રહ્યા છે. આ મોડસ ઓપરેન્ડી અંગે દમણ પોલીસે લોકોને સાવચેત રહેવા ખાસ અપીલ કરી છે.

વોટ્સએપ અને SMS દ્વારા ગેસ કનેક્શન કપાવાની ધમકી

દમણના પોલીસ અધિક્ષક કેતન બંસલે આ ઓનલાઇન છેતરપિંડી વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ સાયબર ઠગ દ્વારા નાગરિકોને વોટ્સએપ અને SMS મારફતે મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવે છે કે તમારું ગેસ બિલ બાકી છે અને જો તાત્કાલિક રકમ જમા નહીં કરાવો તો તમારું ગેસ કનેક્શન બંધ થઈ જશે. આ મેસેજમાં ગ્રાહકોને એક અજાણી લિંક મોકલીને APK ફાઇલ ડાઉનલોડ કરવા માટે જણાવવામાં આવે છે.

APK ફાઇલ ઇન્સ્ટોલ થતાં જ ચોરાય છે બેંકિંગ માહિતી અને OTP

જ્યારે કોઈ ગ્રાહક કનેક્શન કપાવાના ડરથી આ અજાણી APK ફાઇલ પોતાના સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરે છે, ત્યારે સાયબર ગુનેગારોને તેમના મોબાઈલનું છૂપું એક્સેસ મળી જાય છે. આ માલવેર ફાઇલ ઇન્સ્ટોલ થતાં જ ઠગો નાગરિકોના ફોનમાંથી તેમની ખાનગી બેંકિંગ માહિતી, બેંકના OTP અને અન્ય અત્યંત સંવેદનશીલ વિગતો આસાનીથી ચોરી લે છે. જેના પરિણામે ગ્રાહકોના બેંક ખાતામાંથી ગણતરીની મિનિટોમાં મોટી રકમ ઉપાડી લેવામાં આવે છે.

પોલીસની સલાહ: માત્ર ઓફિશિયલ એપ સ્ટોરનો જ ઉપયોગ કરો

આ છેતરપિંડીથી બચવા માટે પોલીસ અધિક્ષક શ્રી બંસલે નાગરિકોને કડક સલાહ આપી છે કે, કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતી લિંક પર ક્લિક કરવું જોઈએ નહીં. ઉપરાંત, થર્ડ-પાર્ટી વેબસાઈટ પરથી કોઈપણ અજાણી APK ફાઇલ ક્યારેય ડાઉનલોડ ન કરવી. નાગરિકોએ કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે માત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ જેવા કે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોરનો જ ઉપયોગ કરવો હિતાવહ છે.

જો છેતરપિંડીનો ભોગ બનો તો તાત્કાલિક હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરો

પોલીસે માર્ગદર્શિકા જાહેર કરતા જણાવ્યું છે કે, જો અજાણતા કોઈ શંકાસ્પદ એપ મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ ગઈ હોય અથવા તમારી બેંકને લગતી માહિતી કોઈની સાથે શેર થઈ ગઈ હોય, તો ગભરાયા વિના તાત્કાલિક મોબાઈલનું ઇન્ટરનેટ બંધ કરી દેવું. ત્યારબાદ સમય બગાડ્યા વિના તરત જ તમારી સંબંધિત બેંકનો સંપર્ક કરવો અને રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી સત્તાવાર ફરિયાદ નોંધાવવી, જેથી નાણાકીય નુકસાન અટકાવી શકાય.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.