દાહોદ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી દ્વારા વર્ષ 2026-27 માટે મુખ્યમંત્રી વનબંધુ કૃષિ યાંત્રિકીકરણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિ (ST) ના ખેડૂતો માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ “વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ” ની ખરીદી પર ખેડૂતોને 50% સબસીડીનો લાભ આપવામાં આવશે.
આઈ-ખેડૂત પોર્ટલ પર 3 સપ્ટેમ્બર સુધી કરી શકાશે અરજી
દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારીની સત્તાવાર યાદી મુજબ, આદિજાતિ ખેડૂત લાભાર્થીઓ માટે આ યોજનાના બીજા તબક્કાની ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રસ ધરાવતા ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ 2.0 (i-Khedut Portal 2.0) પર તારીખ 19-08-2026 થી 03-09-2026 સુધી પોતાની અરજી ઓનલાઈન નોંધાવી શકશે. સમયમર્યાદા બાદ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
સાધનોની ખરીદી પર 50% સહાય અને ચોક્કસ નિયમો
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક અને યંત્ર આધારિત ખેતી તરફ વાળવાનો છે. મંજૂર થયેલી અરજીઓ પર સંપૂર્ણ સર્વિસ પ્રોવાઈડર યુનિટની ખરીદી પર ખેડૂતોને કુલ 50% સહાય મળવાપાત્ર રહેશે. સરકારી નિયમો અનુસાર, ખેડૂતોએ પોતાના વિસ્તાર અને પાક પદ્ધતિ મુજબ દર્શાવેલી કુલ 7 અલગ-અલગ કેટેગરીમાંથી ટ્રેક્ટર સહિત ઓછામાં ઓછા 4 ઓજારો કે સાધનો વસાવવાના રહેશે. એ ખાસ નોંધવું કે, દરેક કેટેગરીમાંથી માત્ર એક જ સાધન પસંદ કરી શકાશે.
ખેડૂતો આ 7 કેટેગરીમાંથી કરી શકશે સાધનોની પસંદગી
સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલી 7 કેટેગરીમાં ટ્રેક્ટર: 35 PTOHP થી વધુ ક્ષમતા, જમીન તૈયારીના સાધનો: પ્લાઉ, હેરો, લેવલર, કલ્ટીવેટર, રોટાવેટર, બંડ ફોર્મર વગેરે., વાવણીના સાધનો: ઓટોમેટીક ડ્રીલ, પ્લાન્ટર, ટ્રાન્સપ્લાન્ટર, નીંદણના સાધનો: પાવર વીડર, રોટરી પાવર ટીલર, કાપણી/થ્રેશીંગના સાધનો: હારવેસ્ટર, થ્રેશર, રીપર/બાઈન્ડર, બ્રશ કટર વગેરે, ક્રોપ રેસીડ્યું મેનેજમેન્ટ: શ્રેડર, બેલર, હે રેક, સ્ટ્રો રીપર, પાક સંરક્ષણ સાધનો: ટ્રેક્ટર/પાવર સંચાલિત સ્પ્રેયર, બુમ સ્પ્રેયરના સાધનોનો સમાવેશ થાય છે.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે તંત્રનો સંપર્ક કરવા અનુરોધ
જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા તમામ લાયક આદિજાતિ ખેડૂતોને સમયસર પોર્ટલ પર અરજી કરી આ સરકારી યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ યોજના અંગે વધુ માહિતી, માર્ગદર્શન કે અરજી કરવામાં સહાય જોઈતી હોય તો ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી શકે છે.