બંગાળની ખાડી પર ઊભું થયેલું હવાનું દબાણ ચક્રવાતી વાવાઝોડું મુરાસુમાં પરિણમ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું આવતીકાલે વહેલી સવારે નેલ્લોર અને નરસાપુર વચ્ચે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે વાવાઝોડા દરમિયાન પવનની ગતિ 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે.
હવામાન વિભાગે માછીમારોને આજે બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ ભાગમાં અને બુધવાર સવાર સુધી દક્ષિણપશ્ચિમ ભાગમાં ન જવાની સલાહ આપી છે.
વિભાગે આજે દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને તેલંગાણા માટે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી બે દિવસમાં છત્તીસગઢ, કેરળ, માહે, ઓડિશા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં વીજળી અને પવન સાથે વાવાઝોડાની પણ આગાહી કરી છે.
આંધ્રપ્રદેશ વાવાઝોડા મુરાસુનો સામનો કરવા સજ્જ છે . રાજ્ય સરકારે સાવચેતીના પગલાં વધારી દીધા છે અને બચાવ અને રાહત ટીમોને સતર્ક રાખી છે. કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે. લોકોને સતર્ક રહેવા અને અધિકારીઓ દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.