ઓગસ્ટ 9, 2026 6:59 પી એમ(PM)

printer

અમદાવાદ એરપોર્ટ પર 66 લાખનું સોનું ઝડપાયું

કતાર એરવેઝની ફ્લાઇટમાં અમદાવાદ આવેલા ગોધરાના એક મુસાફર પાસેથી કસ્ટમ્સ વિભાગે અંદાજે 66 લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે. સોનાની પેસ્ટ બનાવી તેને શરીરના મળાશયમાં છુપાવીને લાવવામાં આવી હતી. કસ્ટમ્સ વિભાગે મુસાફરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કસ્ટમ્સ અમદાવાદના એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ પેસેન્જરની પ્રોફાઇલિંગના આધારે કતાર એરવેઝની ફ્લાઇટ નંબર QR-534 દ્વારા દોહા થઈને જેદ્દાહથી અમદાવાદ આવેલા 24 વર્ષીય મુસાફર સરફરાઝ માલાને અટકાવ્યો હતો. સરફરાઝ માલા ગોધરાનો રહેવાસી છે.

મુસાફરની તપાસ દરમિયાન તેના શરીરના મળાશયમાં છુપાવેલી 467.09 ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી. કસ્ટમ્સ અધિકારીઓએ સોનાની પેસ્ટને બહાર કાઢી તેને 24 કેરેટ શુદ્ધતાના સોનાના બારમાં રૂપાંતરિત કર્યું હતું. આ સોનાના બારનું વજન 422.83 ગ્રામ હોવાનું સામે આવ્યું હતું, જેની બજાર કિંમત 65 લાખ 69 હજાર 87 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.

કસ્ટમ્સ વિભાગે કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ સોનાનો બાર જપ્ત કર્યો છે. આ ઉપરાંત સંબંધિત જોગવાઈઓ હેઠળ મુસાફર સરફરાઝ માલાની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં સરફરાઝે જણાવ્યું હતું કે ગોધરાના અલ્તાફે તેને સોનું લાવવા બદલ 12 હજાર રૂપિયા આપ્યા હતા. તેણે અગાઉ હૈદરાબાદ અને મુંબઈની મુસાફરી કરી હોવાનું પણ જણાવ્યું છે. જોકે, પ્રથમ વખત સોનું લઈને આવ્યો હતો અને આ વખતે પકડાયો હોવાનું તેણે કસ્ટમ્સ અધિકારીઓને જણાવ્યું છે.

મુસાફર આ સોનું કોના માટે લાવ્યો હતો અને સમગ્ર દાણચોરી પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ, તે સહિતના મુદ્દે કસ્ટમ્સ વિભાગે વધુ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.