રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ‘ગરવી ગુર્જરી’ની વિશેષ મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને આવકારીને મુખ્યમંત્રીએ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે હાથશાળ ઉત્પાદનોની ખરીદી કરી હતી અને દેશવાસીઓને ‘વોકલ ફોર લોકલ’ નો મજબૂત સંદેશ આપ્યો હતો.
પ્રધાનમંત્રીની અપીલને મુખ્યમંત્રીનો સકારાત્મક પ્રતિસાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે નેશનલ હેન્ડલૂમ ડેના અવસરે દેશના નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ સ્થાનિક હેન્ડલૂમ પ્રોડક્ટ્સ ખરીદીને ગ્રામીણ ગરીબોની આવક વધારવામાં સહભાગી બને અને આપણા સમૃદ્ધ હાથવણાટના વારસાને પ્રોત્સાહન આપે. પ્રધાનમંત્રીની આ પ્રેરણાદાયી અપીલને ઝીલી લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આવેલા રાજ્ય સરકારના સાહસ ‘ગરવી ગુર્જરી’ ખાતે રૂબરૂ જઈને વિવિધ હેન્ડલૂમ ઉત્પાદનોની ખરીદી કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
કર્મયોગીઓ સાથે સંવાદ કરી કળાની જાણકારી મેળવી
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ગરવી ગુર્જરીના કર્મયોગીઓ અને સ્ટાફ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે ત્યાં વેચાણ માટે પ્રદર્શિત કરવામાં આવેલી વિવિધ હેન્ડલૂમ પ્રોડક્ટ્સની ઝીણવટભરી વિગતો અને કારીગરોની મહેનત અંગે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ એમ. કે. દાસ તથા ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા નિગમના એમ.ડી. અને સચિવ આદ્રા અગ્રવાલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
1905 ની સ્વદેશી ચળવળની સ્મૃતિમાં 2015 થી ઉજવણી
આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક અને ગ્રામીણ અર્થતંત્રના આધાર સમાન હાથવણાટ અને હાથશાળના ઉત્પાદનોને ‘વોકલ ફોર લોકલ’ અભિયાન થકી વિશ્વ બજાર સુધી પહોંચાડવાની પ્રધાનમંત્રીની નેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે 7 ઓગસ્ટ 1905 ના રોજ શરૂ થયેલી ઐતિહાસિક સ્વદેશી ચળવળની સ્મૃતિમાં આ દિવસની ઉજવણી થાય છે. નાના અને ગ્રામીણ કારીગરોના પરિવારોને આર્થિક સમૃદ્ધિ તેમજ સન્માન આપવાના ઉદ્દેશ્યથી વર્ષ 2015 થી દર વર્ષે 7 ઓગસ્ટને ‘નેશનલ હેન્ડલૂમ ડે’ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરવામાં આવી છે.