ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ ના પૂર્વાર્ધરૂપે પોતાના અમેરિકા પ્રવાસના 5 માં દિવસે ન્યૂયોર્ક શહેરમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ વન-ટુ-વન બેઠકો યોજી હતી. આ બેઠકોમાં કિન્ડ્રીલ, બ્લેકરોક અને હોલ્ટેક ઇન્ટરનેશનલ જેવી વિશ્વની અગ્રણી કંપનીઓના વડાઓ સાથે રોકાણ અને સહયોગ અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
કિન્ડ્રીલ સાથે IT અને AI ક્ષેત્રે સહયોગની ચર્ચા
મુખ્યમંત્રીએ IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓના વિશ્વના સૌથી મોટા સર્વિસ પ્રોવાઇડર કિન્ડ્રીલના ગ્લોબલ હેડ ઓફ ડિલિવરી ઝેકર્સેસ કુપર સાથે બેઠક કરી હતી. આ દરમિયાન કંપનીએ ગુજરાતમાં AI સ્ટ્રેટેજી, સ્ટુડન્ટ્સ અને સ્ટાર્ટઅપ્સના સ્કીલિંગ તેમજ મેન્ટરશીપ માટે સહયોગ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતને સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ માટે દેશનું ગ્રોથ એન્જિન ગણાવી કંપનીને વાયબ્રન્ટ સમિટ 2027 માં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું હતું.
બ્લેકરોકને ગિફ્ટ સિટીમાં કારોબાર વિસ્તારવા આમંત્રણ
એસેટ મેનેજમેન્ટ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ક્ષેત્રે વિશ્વભરમાં નામના ધરાવતી કંપની બ્લેકરોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર સમારા કોહેન સાથે પણ મુખ્યમંત્રીએ વિશેષ ચર્ચા કરી હતી. 100 થી વધુ દેશોમાં નેટવર્ક ધરાવતી બ્લેકરોક સમક્ષ મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીને વર્લ્ડ ક્લાસ ફાઈનાન્સિયલ ઇકો-સિસ્ટમ અને ઇન્ટરનેશનલ ફિનટેક હબ તરીકે રજૂ કર્યું હતું. ગિફ્ટ સિટી ગ્લોબલ હબ બનવાની ક્ષમતા ધરાવતું હોવાથી બ્લેકરોકને ત્યાં પોતાની સેવાઓનો વિસ્તાર કરવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.
હોલ્ટેક ઇન્ટરનેશનલ ગુજરાતમાં સ્થાપશે ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર
ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે ફ્યુઅલ સ્ટોરેજ સોલ્યુશન્સ પૂરા પાડતી હોલ્ટેક ઇન્ટરનેશનલના CEO સાથેની બેઠકમાં પણ મોટી સફળતા મળી છે. કંપનીએ વર્ષ 2025 માં ગુજરાતમાં પોતાની સુવિધાઓનું વિસ્તરણ કર્યું છે, ત્યારે હવે તેમણે ગુજરાતમાં સ્મોલ મોડ્યુલ રિએક્ટર્સ (SMR) ઉત્પાદન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) સેન્ટર સ્થાપવાની ઈચ્છા દર્શાવી છે. મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે રાજ્યની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-2026 માં સ્મોલ મોડ્યુલ રિએક્ટર્સ સહિત ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ્સને ‘થ્રસ્ટ એરિયા’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.